દેવપર ગઢમાં વાડીના હોજમાં ડૂબી જવાથી શ્રમિક મામા-ભાણેજનાં મૃત્યુ

ભુજ, તા. 11 : માંડવી તાલુકાના દેવપર (ગઢ) ગામે વાડીના હોજમાં ન્હાવા પડયા બાદ અકસ્માતે પાણીમાં ગરકાવ થઇને આદિવાસી ખેતમજૂર પરિવારના મામા-ભાણેજ સંજય શિવા તડવી (ઉ.વ. 37) અને સુખિત લાલા તડવી (ઉ.વ. 6)નાં મૃત્યુ થતાં અરેરાટી વ્યાપી છે. તહેવારોના સમય વચ્ચે બનેલી આ કરુણ ઘટના થકી શોક  ફેલાયો છે. ગઢશીશા પોલીસ મથક હેઠળ આવતા દેવપર (ગઢ) ગામે કલ્પેશ લખમશી લીંબાણી નામના ખેડૂતની વાડીએ આજે મધ્યાહ્ને આ કરુણ જીવલેણ ઘટના બની હતી. આ વિશે મૂળ છોટાઉદેપુર જિલ્લાના ટીંબી ગામના વતની અને હાલે રત્નાપર ગામે નારાણ ધનજી ચોપડાની વાડી ઉપર રહીને ખેતમજૂરી કરતા મરનારસુખિતના પિતા લાલા નથુ તડવી દ્વારા પોલીસને જાણ કરાતાં અકસ્માત મોતનો ગુનો નોંધાયો હતો. પોલીસ સૂત્રોએ આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, યુવાન વયનો સંજય તડવી અને તેનો સગીર વયનો ભાણેજ સુખિત તડવી આજે મધ્યાહ્ને વાડીના હોજમાં ન્હાવા માટે પડયા હતા. અકસ્માતે હોજનાં ઊંડાં પાણીમાં ગરકાવ થઇ જવાથી આ બન્નેનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. બન્ને મૃતકોના દેહ હોજમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઇ જવાયા ત્યારે ત્યાં બન્નેને મૃત ઘોષિત કરાયા હતા. ગઢશીશા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર આર.ડી. ગોજિયાએ કેસની આગળની તપાસ હાથ ધરી છે.     

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer