કોરોના સંક્રમિત થવા છતાં ભય ન રાખ્યો

ઉદય અંતાણી દ્વારા-  ગાંધીધામ, તા. 10 : કચ્છમાં અને ખાસ કરીને ગાંધીધામ-અંજાર તાલુકામાં છેલ્લા બે મહિનાથી કોરોના  મહામારીનો સકંજો દિવસો દિવસ મજબૂત બનતો જાય છે. જુલાઈ મહિનાના છેલ્લાં અઠવાડિયાંમાં હું ખુદ વાયરસની ઝપટમાં આવી ગયો હતો. પરંતુ ભય રાખ્યા વિના સંક્રમિત થયા બાદ પરિવાર સંક્રમિત ન થાય તે માટેની પૂરતી તકેદારી રાખી ત્રણ સપ્તાહ બાદ પુન:ફરજ ઉપર હાજર થઈ ગયો છું ગત  તા. 18 જુલાઈથી    સામાન્ય તાવ અને શરીરમાં દુ:ખાવાની સમસ્યા સર્જાઈ હતી. ત્રણ દિવસ સુધી  દવા લીધા બાદ પણ પરિસ્થિતિ થોડે  અંશે  એ જ પ્રકારની રહેતાં સાવચેતીના ભાગરૂપે કોરોનાનું સેમ્પલ આપ્યું જે 48 કલાક બાદ પોઝિટિવ આવ્યું. ક્ષણભર માટે  કોરોના પોઝિટિવ આવતાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ  કચ્છમિત્રના પરિવારજનો અને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા હિંમત અપાતાં આ જીવલેણ વાયરસ સામે લડવાની તાકાત મળી હતી. વાયરસ લોડ ઓછો હોવાના કારણે અંજાર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા હોમ આઈસોલેટ રાખવાનો નિર્ણય લેવાયો. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં એક સભ્ય સંક્રમિત બન્યા બાદ અન્ય સભ્યો પણ સંક્રમિત થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું અમલીકરણ કરી સતત 17 દિવસ સુધી પરિવાર સાથે સંપર્ક વિહોણો રહ્યો  હતો. જેના કારણે  પરિવારના ચાર સભ્યો સંક્રમિત ન થયા તે એક મોટી જીત છે. હોમ આઈસોલેશનમાં ક્રોસ ઈન્ફેક્શનની શક્યતા વધી જાય છે ત્યારે દર્દી જે બાથરૂમનો ઉપયોગ કરે તેનો બીજા સભ્યોએ ઉપયોગ ન કરવો, ચા, નાસ્તો, બે ટાઈમ જમવાના વાસણો ખુદે જ સાફ કરવાં, કપડાં ગરમ પાણીમાં અડધો કલાક સુધી પલાળી રાખવા સહિતની તકેદારી રાખવી જરૂરી બની જાય છે. બીજું હોમ આઈસોલેશનમાં  રખાય ત્યારે પલ્સ ઓક્સિમીટર  વસાવવું અગત્યનું છે. ઓક્સિજન લેવલની માહિતી રાખી શકાય છે. જો ઓક્સિજન 94 કે તેથી નીચે  જણાય તો તુરંત તબીબોનો દર્દીએ સંપર્ક કરવો જોઈએ.  હોમ આઈસોલેશન દરમ્યાન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ સમયાંતરે આવીને તપાસ કરાતી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer