ગાંધીધામમાં કોરોના અંગે પરીક્ષણ તથા વધુ એક હોસ્પિટલ સંદર્ભે કાર્યવાહી કરો

ગાંધીધામ, તા.11 :જિલ્લામાં હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે પૂર્વ કચ્છમાં ગાંધીધામમાં કોરોનાની વધુ એક હોસ્પિટલ અને લેબોરેટરીની સુવિધા ઊભી કરવા મામલે ગાંધીધામના ધારાશાત્રીએ કરેલી રજૂઆતને લઈને મુખ્યમંત્રી કાર્યાલય  દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગના અગ્રસચિવને જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશ અપાયા છે. ધારાશાત્રી એન. જે. તોલાણીએ  તાજેતરમાં વડાપ્રધાન અને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી કોરોનાના વધતા સંક્રમણ સંદર્ભે રજૂઆત  કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, પૂર્વ કચ્છ જિલ્લામાં કોરોનાનાં પરીક્ષણ માટે નમૂના  ગાંધીનગર, અમદાવાદ કે રાજકોટ મોકલવા પડે છે. જેના કારણે રિપોર્ટ આવતાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. જેના કારણે  કોરોનાના દર્દી અન્ય વ્યક્તિના સંપર્કમાં આવતા હોવાથી  શહેરમાં બીમારી ફેલાવવાની શકયતા વધી જતી હોવાની દહેશત વ્યક્ત કરી હતી. પૂર્વ કચ્છ જિલ્લાના કોરોનાના  દર્દીઓ માટે હરિઓમ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા છે. પરંતુ વધતા જતા કેસના કારણે કોવિડના દર્દીઓને ભુજ ખાતે મોકલવામાં આવે છે. આ પરિસ્થિતિને નિવારવા  ગાંધીધામ આદિપુરમાં કોરોના  સેમ્પલની તપાસ માટે લેબોરેટરી શરૂ કરાય અને  દર્દીઓ માટે બીજી ખાનગી હોસ્પિટલની વ્યવસ્થા કરાય તેવી રજૂઆત ગત  જુલાઈ મહિનામાં કરાઈ હતી.આ રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જરૂરી કાર્યવાહી  કરવા આરોગ્ય વિભાગના અગ્રસચિવને જણાવાયું છે. આ રજૂઆત સંદર્ભે ચકાસણી કરી નિયમોનુસાર કાર્યવાહી કરવા અને કરાયેલી કાર્યવાહીની વિગતો મોકલવા સીએમઓના ઉપસચિવે જણાવ્યું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer