કોરોના સંક્રમણથી બચવા માટે બાળરોગ નિષ્ણાત વધુ કાળજી લે

ગાંધીધામ, તા. 11 : સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાયરસના સંક્રમણથી દેશમાં તેમજ ગુજરાતમાં પણ સંક્રમિત તબીબો જંગ હારી ગયા છે.  સ્પેશિયાલિસ્ટ તબીબોમાં  બાળરોગ નિષ્ણાત તબીબો વધુ સંક્રમિત બન્યા છે  અને  તેમનાં મોત પણ નીપજ્યાં છે તે બાબત ચિંતાજનક  છે. ગાંધીધામના બાળરોગ નિષ્ણાત તબીબ ડો. રાજેશ માહેશ્વરીએ  બાળકોના તબીબ સંક્રમિત થવા અંગેના કારણો જણાવ્યાં છે. તેમણે કહ્યું હતું કે બાળકોમાં સાધારણ બીમારી શરદી, ઉધરસ, ઝાડા-ઉલટી જેવાં લક્ષણો દેખાતાં હોય છે તેને કોરોનાના સંક્રમણથી અલગ કરવા મુશ્કેલ છે. લક્ષણ વિનાના અને સાધારણ કોરોના સંક્રમણ બાળકોમાં સામાન્ય છે. તેથી બાળકોના તબીબ વધુ સચેત હોતા નથી. તાજેતરના તારણોમાં બાળકોમાં પણ  વાયરલ લોડ વધુ હોય છે. પરંતુ બધા તબીબો તેનાથી જ્ઞાત હોતા નથી. તપાસ દરમ્યાન બાળકો ઉધરસ ખાય કે રૂદન  કરે તો તેનાથી પણ તબીબ સંક્રમિત થઈ શકે છે. તબીબ દ્વારા એકદમ નજીદીકીથી બાળકોની તપાસ કરાતી  હોય છે.તે બાબત પણ સંક્રમિત થવા પાછળ કારણભૂત છે. કન્સલટિંગ રૂમમાં બાળક દર્દી સાથે  માતા-પિતા ઉપરાંત વયસ્કો પણ તબીબના સંપર્કમાં આવતા હોય છે તે પણ જોખમી બાબત છે. તબીબોએ આ પરિસ્થિતિ નિવારવા શકય તેટલા લોકોના સંપર્કમાં ઓછું આવવું, માસ્ક, પીપીઈ કિટ પહેરવા સહિતની તકેદારી રાખવી જરૂરી હોવાનું તબીબે જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer