રેલવે તંત્રે કર્મચારીઓને લાઇન બોક્સ આપવાનું બંધ કરતાં રોષ?ભભૂક્યો

ગાંધીધામ, તા. 11 :રેલવે પ્રશાસન દ્વારા રનિંગ સ્ટાફ માટે આપવામાં આવતી લાઈન બોક્સ આપવાનું બંધ કરી દેવાતાં કર્મચારીઓમાં ભારે આક્રોશની લાગણી ભભૂકી ઊઠી છે. પ્રશાસનના આ નિર્ણયથી રાનિંગ સ્ટાફની સુરક્ષા ઉપર ખતરો ઊભો થશે તેવી દહેશત વ્યક્ત કરતી રજૂઆતોનો દોર ઉચ્ચકક્ષાએ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે આધારભૂત સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ અમદાવાદ ડિવિઝનમાં ગત તારીખ 1થી રેલવેના ગાર્ડ અને લોકોપાઇલટને લાઈન બોક્સ આપવાનું બંધ કરી દેવાયું છે. રેલવે પ્રશાસન દ્વારા કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું જણાવાઈ રહ્યું છે. પ્રશાસન દ્વારા આ નિર્ણયને રનિંગ સ્ટાફ દ્વારા જોખમી ગણાવાઈ રહ્યો છે. તેઓના જણાવ્યા પ્રમાણે લાઈન બોક્સની અંદર વિવિધ સાધનો હોય છે. ટોર્ચ, પાના પકડ, વિગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાર્ડ અને લોકોપાઈલટને ડિટોનેટર આપવામાં આવતા હોય છે. હાલ લાઈન બોક્સ આપવાનું બંધ કરાતાં રેલવે દ્વારા જરૂરી સામાન પોતાની બેગમાં રાખવા રનિંગ સ્ટાફને જણાવવામાં આવી રહ્યું છે પરંતુ ડિટોનેટર જેવા વિસ્ફોટક પદાર્થ બેગમાં રાખવા જોખમી સાબિત થઇ શકે છે. જો  કોઈ પાઈલટની બેગ ખોવાઈ જાય તો આ વિસ્ફોટક પદાર્થ એવા ડિટોનેટરનો ગેરઉપયોગ પણ થઈ શકે છે. તદુપરાંત ડિટોનેટરને સૂકી  જગ્યાએ રાખવાનું ફરજિયાત હોય છે જ્યારે બેગમાં પાણીની બોટલ કે અન્ય ખાદ્ય સામગ્રી સાથે હોવાને કારણે આ વિસ્ફોટક વસ્તુ સાથે રાખવી જોખમભર્યું બની શકે છે.  તદુપરાંત બેગ નીચે પટકાય તો ડિટોનેટરના વિસ્ફોટની પણ શક્યતા નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ રેલવે કર્મચારીના લાઈન બોક્સની ચોરી થયા બાદ વિસ્ફોટ કરવા માટે તેના મટિરિયલનો ઉપયોગ થયો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી. પ્રશાસનના આ નિર્ણયના પગલે રનિંગ સ્ટાફમાં ભારે આક્રોશ ભભૂકી ઊઠયો છે. વધારામાં બીજી સમસ્યા એ સર્જાઇ છે કે ઘણીવાર એકસાથે એક કે બે સ્ટાફને એક્સ્ટ્રા મોકલવામાં આવતા હોય છે. વધારાનો સ્ટાફ લાઈન બોક્સ ઉપર બેસી શકતો હતો, પરંતુ હવે કોરોનાને બહાને લાઈન બોક્સ કાઢી નાખવામાં આવતાં વધારાના ક્રૂ મેમ્બરને ફરજિયાત દસથી બાર કલાક સુધી ઊભા રહેવું પડશે. આ મામલે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન દ્વારા અમદાવાદના ડીઆરએમને પત્ર પાઠવી લાઈન બોક્સ બંધ કરવાના નિર્ણયની થનારી દૂરોગામી અસરો અંગે વિસ્તૃતમાં જાણકારી આપી છે. રનિંગ સ્ટાફના હિતમાં આ નિર્ણય અંગે  તુરંતમાં ફેરબદલ કરવા ભારપૂર્વકની રજૂઆત કરવામાં આવી હોવાનું યુનિયનના  પ્રચાર-પ્રસાર મંત્રી સંજય સૂર્યબલીએ જણાવ્યું હતું. દરમિયાન, એક્સ્ટ્રા માટેની રજૂઆત સંદર્ભે રેલવે દ્વારા બીજા કર્મચારીના લાઈન બોક્સ લઈ જવાની છૂટ આપવામાં આવતાં રનિંગ સ્ટાફમાં આશ્ચર્યની લાગણી પ્રસરી છે. શું બીજાનું લાઈન બોક્સ લઈ જવાથી સંક્રમણ નહીં ફેલાય તેવો સવાલ કર્મચારીઓ ઉઠાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન માલ પરિવહન પૂરજોશમાં ચાલુ છે. હાલ કચ્છમાં લોકોપાઇલટ અને ગાર્ડ સહિત 700થી વધુ રનિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer