દશ ગામ દીઠ એક જ ગ્રામસેવક

રાપર, તા. 11 : કચ્છ જિલ્લામાં કૃષિ વિભાગ હેઠળના ગ્રામસેવક/વિસ્તરણ અધિકારી ખેતીની મહેકમ ઘટ બાબતે રાપર વિભાગના ધારાસભ્યે રાજ્યના કૃષિમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. કચ્છ જિલ્લો વિસ્તારની દૃષ્ટિએ સમગ્ર રાજ્યમાં પ્રથમ અને દેશમાં બીજા ક્રમે આવે છે. ડાર્કઝોન દૂર થવાથી તેમજ ટપક સિંચાઈ સબસિડી યોજના થકી ખેતીલાયક જમીનમાં પિયતની સગવડ વધતાં કચ્છી લોકો ખેતી તરફ વળ્યા છે. મારા મત વિસ્તાર હેઠળના કચ્છ-વાગડના રાપર, ભચાઉ તાલુકાના અંશત: ગામોમાં નર્મદા કેનાલથી પિયત માટે પાણી મળી રહ્યું હોવાથી ખેતીલાયક વિસ્તારનો વ્યાપ પણ વધેલો છે. કુલ ભૌગોલિક વિસ્તાર 19,57,629 હેકટર છે, જે પૈકી 8,02,832 હેકટર વાવેતર વિસ્તાર છે. કુલ ખેડૂતોની સંખ્યા અંદાજિત 2,11,629 છે. જેની સરખામણીએ અત્રેના જિલ્લામાં 10 તાલુકામાં 924 ગામ અને 630 ગ્રામ પંચાયત આવેલી છે. ત્યારે ગ્રામસેવકનું મહેકમ 87 છે. જે મુજબ સરેરાશ એક ગ્રામસેવકના કાર્યક્ષેત્રમાં 10 ગામ અને 7 ગ્રામ પંચાયત આવે છે. ગ્રામ્ય સ્તરે ખેડૂતોને સરકારની કૃષિ ક્ષેત્રની તમામ યોજનાકીય સહાય, અમલીકરણની કામગીરી કરતા પાયાના ક્ષેત્રિય કર્મચારી ગ્રામસેવક છે. ગ્રામસેવકની 46 જગ્યા ખાલી સેજાનો ચાર્જ પણ સોંપવામાં આવે છે, જેથી નિયમિત યોજનાકીય કામગીરીમાં વિલંબ થાય તે સ્વાભાવિક છે તેવું ધારાસભ્ય સંતોકબેન આરેઠિયાએ પત્રમાં જણાવ્યું હતું. કચ્છમાં અવારનવાર તીડ, અછત, અનિયમિત વરસાદ, વાવાઝોડું જેવી મુશ્કેલીઓ આવે  છે. જેમાં સમયમર્યાદામાં ઝડપી અસરકારક કામગીરી માટે ગ્રામસેવક જેવા પાયાના કર્મચારીની ઘટ વર્તાય છે. કૃષિમાં વિસ્તરણ અધિકારી-ખેતી, તાલુકા કક્ષાએ સંકલન, આયોજન માટે એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં વિસ્તરણ અધિકારી-ખેતીની 6 જગ્યાઓ રદ થઈ ગઈ છે.  ગ્રામસેવકની ખાલી જગ્યાઓ ભરવા તેમજ રદ થયેલી વિસ્તરણ અધિકારીની છ જગ્યા પુન: મંજૂર કરવા માગણી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer