વન અધિકાર સામે બન્નીની 11 ગ્રા. પં.નો વિરોધ

ધોરડો, તા. 11 : હાલે છેલ્લા કેટલાક વર્ષોથી માલધારીઓને કહેવાતા વ્યક્તિગત અને સામૂહિક અધિકારો આપવા બાબતે અને પર્યાવરણની રક્ષા માટે સમાજસેવી સંસ્થાનાં માર્ગદર્શન હેઠળ બન્નીને વન અધિકાર કાયદો લાગુ પડે તે માટે ધમપછાડા થઈ રહ્યા છે, જે લોકોને આ બાબતની પૂરતી સમજ ન હોય તેમને ભોળવી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એક પિટિશન દાખલ કરાવેલી છે, જેનો નિકાલ હજુ બાકી છે ત્યારે ધોરડોના સરપંચ મિયાંહુસેન મોરાણાએ પણ એક જ વાત કરી કે બન્નીને સાચા અર્થમાં બન્ની તરીકે રહેવા દ્યો. બન્ની ઉછેરક માલધારી સંગઠન દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. તેમાં અમો પહેલેથી અરજદાર સાથે નથી અને આ પિટિશન સમગ્ર બન્નીના લોકો, માલધારીઓ અને જનજીવન માટે અત્યંત નુકસાનકારક છે. આ સામે ચાર ગ્રામ પંચાયતો જેમાં ધોરડો જૂથ ગ્રામ પંચાયત (ધોરડો, ઉડો, સીણિયાડો, પટ્ટગાર) ભીરંડિયારા જૂથ ગ્રામ પંચાયતે વડપણ કર્યું હતું અને તે વખતના કલેકટર મુકેશપુરીને આવેદનપત્ર આપી અને જણાવ્યું હતું કે, બન્નીની જમીન કયારે પણ જંગલ ખાતાને સોંપવામાં ન આવે. મહારાવશ્રી દેશળે આશરે 250 વર્ષ પહેલાં બન્નીની જમીન ચરિયાણ માટે ફાળવી હતી. બ્રિટિશરાજમાં પણ 1927નો જંગલનો કાયદો બનાવતી વખતે બન્નીના ઘાસિયા મેદાનોને બાકાત રાખવામાં આવ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું.  બન્નીના લોકો એકજૂથ બને અને તેમણે પિટિશન પરત ખેંચવાની માગણી કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer