જો જો, ભુજના હમીરસર તળાવની સફાઇમાં દેશલસર જેવું ન થાય

ભુજ, તા. 11 : શહેરના હૃદય સમાન હમીરસર તળાવની સફાઇ માટે અંતે સુધરાઇ જાગી હોય તેમ ટેન્ડર બહાર પડાયું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ દેશલસરનું ટેન્ડર ભરનાર કોન્ટ્રાકટરને નિષ્ફળતા સાંપડી છે, ત્યારે યોગ્ય અભ્યાસ બાદ જ હમીરસરનું સફાઇકામ સોંપાય તેવી લોકલાગણી  ફેલાઇ છે. ભુજ સુધરાઇ સફાઇ પાછળ મબલખ નાણાં ખર્ચે છે, તેમ છતાં શહેરનાં તળાવો ગંદકી અને કચરાથી ખદબદતા રહે છે. દેશલસર તળાવમાં જળકુંભી વેલને પગલે આ ઐતિહાસિક તળાવની દુર્દશા થઇ. વેલ કાઢવા માટે ઢંગધડા વિનાનાં આયોજનને પગલે આઠ લાખના ખર્ચે અપાયેલો એક વર્ષ માટેનો કોન્ટ્રાક્ટ નિષ્ફળ ગયો અને હજુ તળાવનો મોટો ભાગ વેલના કબ્જામાં છે. થોડા દિવસ પહેલાં જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, તબીબો, વકીલો તથા જાગૃત નાગરિકો દ્વારા હમીરસર તળાવની સફાઇ હાથ ધરાઇ. જો કે, સુધરાઇના જવાબદારોએ આ નિહાળી તળાવને સાફ કરવાનું ટેન્ડર  બહાર પાડયું છે. જો કે, આ કામ ચીવટપૂર્વક અને આયોજનબદ્ધ રીતે કરાય તેમજ વ્હાલા કોન્ટ્રાક્ટરને બદલે જાણકારને કામ સોંપાય તો દેશલસર તળાવ જેવું ન થાય તેવી લોકલાગણી ફેલાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer