નખત્રાણાના વથાણમાં વૃક્ષોની ડાળીઓ થકી વીજરેષામાં તણખા ઝરતાં નાસભાગ

નખત્રાણા, તા.11: અહીં ભરચક અને સતત ધમધમતા વથાણ વિસ્તારમાં બપોરે બે વાગ્યે મોટા વૃક્ષોની લીલીછમ ડાળીઓ વીજ વહન કરતા વીજરેષાના સંપર્કમાંથી આવતાં વીજ વાયરોમાં તણખા ઝરી આગ લાગતાં નાસભાગ મચી હતી અને વીજ પુરવઠો ખોરવાયો હતો. નખત્રાણામાં વીજ પુરવઠો બંધ થવો એ નિત્યક્રમ છે. સવારથી સાંજ સુધી આઠથી દસ વખત નિયમિત વારંવાર વીજ વિક્ષેપ થતાં લોકો આ કાળઝાળ ગરમીમાં અકળાય છે. પરસેવે રેબઝેબ થાય છે. કન્ટ્રોલ રૂમમાં લાઈટ બંધ થવા કારણ જાણવા માટે ફોન કરે છે તો કોઈ પણ જવાબદાર ફોન ઉપાડવાની તસ્દી લેતા નથી. ઉપરથી શિફ્ટિંગનું કારણ બતાવે છે. પીજીવીસીએલ લોકોને આ વિકટ સમસ્યામાંથી ઉગારે નગરને નિયમિત વીજપુરવઠો મળે તેવી કાર્યવાહી કરવાની નગરજનોની માગણી છે. આજના બનાવમાં વૃક્ષની ડાળી વાયરોને અડી જતાં તણખલા સાથે આગ લાગી હતી. ધડાકો થતાં દુકાનદારો પણ દુકાનોમાંથી બહાર નીકળી આવ્યા હતા. વથાણમાં ઝાડી કટિંગની કામગીરી શા માટે નથી કરવામાં આવી તેવો સવાલ લોકો પીજીવીસીએલને પૂછી રહ્યા છે. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer