ડીપીટી, એસઆરસી અને ઇફકોએ ગાંધીધામનું ઋણ ચૂકવવાની તક

ગાંધીધામ, તા. 11 : કોરોના મહામારીના આ સમયમાં ગાંધીધામ સંકુલમાંથી કરોડોની કમાણી કરનારા દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ, સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન તથા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડને શહેર સંકુલ પ્રત્યેનું ઋણ ચૂકવવાની તક છે. સંકુલમાં આ સંસ્થાઓ 300 પથારીની હોસ્પિટલ ઊભી કરે તેવી રજૂઆત શહેર કોંગ્રેસ સમિતિના અધ્યક્ષે કરી છે. શહેર પ્રમુખ સંજય ગાંધીએ જિલ્લા કલેક્ટરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, આખું વિશ્વ અત્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ભારતમાં પણ દરેક રાજ્યો, શહેરો, ગામડામાં આ બીમારી સામે લડત ચાલી રહી છે. દરેક જણ પોતાના બનતા પ્રયત્નો કરી રહ્યા છે. કચ્છની આર્થિક રાજધાની ગણાતા ગાંધીધામ સંકુલે દીનદયાળ પોર્ટને કરોડોની આવક રળી આપી છે. બંદરની હોય કે લીઝની જમીનોની આવક હોય પરંતુ મુશ્કેલીના સમયમાં શહેરની સાથે ઊભા રહેવાની ડીપીટીની ફરજ છે. તેની પાસે કરોડોનું સી.એસ.આર. ભંડોળ છે, પરંતુ તેનો ઉપયોગ કેમ નથી કરાતો તેવો પ્રશ્ન તેમણે પૂછ્યો છે. ડીપીટી પાસે આ મહામારી સામે લડવા માત્ર 15 પથારીની જ સગવડ છે. તેને ખરેખર 300 પથારી સુધી લઇ?જવી જોઇએ. અત્યારે કોરોનાની નજરે સંકુલની આ તાતી જરૂરિયાત છે. આવું જ એસ.આર.સી. તથા ઇફકોએ પણ સંકુલને યોગદાન આપવું જોઇએ તેવું તેમણે ઉમેર્યું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer