વેરામાં વેપારીઓને થતા અન્યાય અંગે ધા

ભુજ, તા. 11 : વેટ કાયદા હેઠળ વર્ષ 2016-17 જેમાં વાર્ષિક ટર્નઓવર રૂા. 10 કરોડથી વધારે અને એપ્રિલ-2017થી જૂન 2017 જેમાં વાર્ષિક ટર્નઓવર રૂા. 2.5 કરોડથી વધારે છે તેવા વ્યાપારીઓની ઓડિટ આકારણીની કાર્યવાહી હાલ ચાલુમાં છે. વર્ષ 2016-17 અગાઉના વર્ષોની પ્રથમ અપીલ અધિકારી સમક્ષ પડતર છે. આ પૈકી ઘણા કેસોમાં વેરાશાખ મિસમેચનો મુદ્દો મુખ્ય છે તે બાબતે કચ્છ સેલ્સ બાર એસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્ય વેરા કમિશનરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. વેટ કાયદામાં તા. 1-4-2013થી કલમ-11માં પેટા કલમ (7-ક) દાખલ કરવામાં આવી છે તે મુજબ કોઇ પણ માલ પરનો વેરો અગાઉના તબક્કે ભરાયેલો હોય તો જ તેવા માલ પરની વેરાશાખ માન્ય રાખવાની રહેશે. આ સુધારાની અસરને ધ્યાને લેતાં ખરીદનાર વેપારીઓના હિતમાં કચેરીએથી સંદર્ભમાં દર્શાવેલા / જાહેર પરિપત્ર બહાર પાડવામાં આવ્યા છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે `આ જોગવાઇ દાખલ કરવાનો સરકારનો મુખ્ય હેતુ બોગસ વેપારી કે હવાલાના વ્યવહાર કરતા વેપારીએ કરેલા વ્યવહાર અન્વયે ખોટી રીતે કોઇ વેરાશાખ બાદ ના અપાઇ જાય અને તેને કારણે સરકારની તિજોરીમાં અગાઉના તબક્કે વેરો ભર્યા સિવાય તેની વેરાશાખ બાદ ના અપાઇ જાય તેની ખાતરી કરવાનો છે તેમજ પ્રામાણિક તથા સાચા વ્યવહાર કરતા વેપારીના ધંધાને વિપરિત અસર ના થાય તેની કાળજી લેવાનો રહેલો છે.' એમ એસો.ના પ્રમુખ અતુલ દેસાઇ તથા મંત્રી પૂર્વેશ ગણાત્રાએ પત્રમાં જણાવ્યું હતું.આવી સ્પષ્ટ સૂચના હોવા છતાં વેચનાર વેપારીના કેસમાં સૂચના નં. 3 મુજબની કાર્યવાહી કર્યા વગર ખરીદનાર વેપારીને વેરાશાખ નામંજૂર કરવામાં આવે છે. જાહેર પરિપત્રમાં વેરાશાખ મંજૂર કરવાની સૂચના 1(સી)માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, `વાણિજ્યિક વેરા વિભાગ દ્વારા કલમ-11ની પેટા કલમ (7) અનુસાર શંકાસ્પદ જણાયેલા બિલિંગ વ્યવહારોની સઘન ચકાસણી તમામ સ્તરે કરવામાં આવશે. આ બિલિંગ વ્યવહારો સાબિત થયેથી કોઇપણ સંજોગોમાં વેરાશાખ મંજૂર કરવામાં આવશે નહીં.' સૂચના નં. 1(સી) સિવાય કોઇ પણ સંજોગોમાં વેરાશાખ નામંજૂર કરવાનું જાહેર પરિપત્રમાં ક્યાંય જણાવવામાં આવ્યું નથી. તાજેતરમાં વર્ષ 2016-17 અને એપ્રિલ 2017થી જૂન 2017ની વેરા કાયદા હેઠળની આકારણી સંદર્ભે ખાતા તરફથી ઇશ્યૂ કરવામાં આવેલા પરિપત્રોમાં પણ માત્ર બોગસ બિલિંગના વ્યવહારોની વેરાશાખના કિસ્સામાં જ આંશિક આકારણી કરવાનું ઠરાવવામાં આવ્યું છે. તે સિવાયના કારણોસર મિસમેચ વેરાશાખના કેસમાં બીજી શરતો સંતોષાતી હોય તો ઇશ્યૂ કરેલી નોટિસ પરત ખેંચવાનું ઠરાવવામાં આવ્યું છે.આવી હકીકતને ધ્યાનમાં લઇને પ્રમાણિત ખરીદનાર વેપારીને અન્યાય ન થાય તે માટે ગુજરાત હાઇકોર્ટના ચુકાદાને અને કચેરીના જાહેર પરિપત્રમાં આપવામાં આવેલી સૂચનાઓ અનુસાર વેચાણવેરા અધિકારી તથા અપીલની કાર્યવાહી તબક્કે આકારણી કાર્યવાહી થાય તેવી વ્યવસ્થા કરવા પત્રમાં માગણી કરાઇ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer