પદ્ધર નજીક જીપકાર તળે કંપની સલામતી રક્ષકનું મોત : ગોધરામાં યુવાનનો અકળ આપઘાત

ભુજ, તા. 11 : જિલ્લામાં આજે માર્ગ અકસ્માત, આત્મહત્યા અને અકસ્માતના અલગ-અલગ ચાર બનાવમાં ચાર વ્યક્તિની જીવનયાત્રા ઉપર પૂર્ણવિરામ મુકાઇ ગયું હતું. મરનાર હતભાગીઓમાં બે  યુવાન, એક આધેડ અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. જિલ્લામાં અપમૃત્યુના કિસ્સાઓનો રોજિંદો સિલસિલો જારી રાખતી આ ઘટનાઓ પૈકી ભુજ-ભચાઉ વાયા દુધઇ હાઇવે ઉપર બોલેરો જીપકારની હડફેટે આવી જવાથી કંપનીના ખાનગી સલામતી રક્ષક મૂળ અમૃતસર પંજાબના વતની બલવિન્દરાસિંહ રામાસિંહ સરદાર (ઉ.વ.48)ને મોત આંબી ગયું હતું. તો માંડવી તાલુકાના ગોધરા ગામે 19 વર્ષની વયના નવયુવાન મિતેષ લખમશી કન્નડએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇને કોઇ કારણે આત્મહત્યા કરી લીધી હતી. બીજી બાજુ પૂર્વ કચ્છમાં ગાંધીધામ શહેરમાં અનિલખાન હિમતખાન રંગરેજ (ઉ.વ. 37) દ્વારા અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આયખું ટુંકાવી લેવાયું હતું. જ્યારે અંજાર તાલુકાના ચંદિયા ગામે ડાયાલાલ માલશી દેવરિયા (ઉ.વ. 65) માટે વિદ્યુત આંચકો યમદૂત બન્યો હતો. પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ ભુજ-ભચાઉ હાઇવે ઉપર સહયોગ હોટલ સામેના રોડ ઉપર ચેકમેટ કંપનીમાં સલામતી રક્ષક તરીકે ફરજ બજાવતા બલવિન્દરાસિંગ સરદાર નામના પંજાબી આધેડને જીવલેણ અકસ્માત નડયો હતો. આ હતભાગી રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે જી.જે.12-બી.ટી.-5315 નંબરની બોલેરો જીપકાર હડફેટે આવી ગયા હતા. માથામાં અત્યંત ગંભીર ઇજાઓ પામેલા તેમને કંપનીની એમ્બયુલન્સ દ્વારા ભુજની જનરલ હોસ્પિટલ ખસેડાયા ત્યારે તેમને મૃત જાહેર કરાયા હતા. બનાવ બાબતે પદ્ધર પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ગોધરા ગામે મિતેષ કન્નડ નામના નવયુવાનની અકળ આત્મહત્યાનો બનાવ બન્યો હતો. પોલીસે આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આજે સવારે આ હતભાગી નવયુવાને પોતાના ઘરમાં ઉપરના માળે જઇને રસ્સી વડે ફાંસો ખાઇને આ આત્મઘાતી પગલું ભરી લીધું હતું. મરનાર યુવકે કયા કારણે આપઘાત કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કારણો સહિતની છાનબીન હાથ ધરી છે. દરમ્યાન અમારા ગાંધીધામ બ્યૂરોના અહેવાલ મુજબ ગાંધીધામ શહેરમાં સુંદરપુરી વિસ્તારમાં તયબાહ મસ્જિદની પછવાડે રહેતા અનિલખાન રંગરેજના અકળ આપઘાતનો કિસ્સો બહાર આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર રંગરોગાનનું કામ કરતા આ હતભાગી યુવાને તેની પત્ની અને બાળકો અન્ય કક્ષમાં નિદ્રાધીન હતા, ત્યારે રાત્રિ દરમ્યાન ઓરડો અંદરથી બંધ કરીને આ પગલું ભરી લીધું હતું. આજે સવારે મોડે સુધી અનિલખાન બહાર ન આવતાં દરવાજો તોડાતાં આ કિસ્સો બહાર આવ્યો હતો. બનાવ પછવાડે નિમિત્ત બનેલા કારણો હજુ સ્પષ્ટ થયા નથી. પોલીસે આ વિશે છાનબીન હાથ ધરી છે. જ્યારે ચંદિયા ગામના 65 વર્ષની વયના ડાયાલાલ દેવરિયા માટે વીજળીનો આંચકો મોતનું કારણ બન્યો હતો. પોલીસે આ વિશેની માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગઇકાલે સવારે ઘરમાં પાણી ખેંચવા માટેની ઇલેકટ્રીક મોટર ચાલુ કરતા સમયે તેમને આંચકો લાગ્યો હતો. બાદમાં સારવાર દરમ્યાન તેમણે દમ તોડયો હતો.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer