ભુજમાં પેટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી પલીવાડના યુવાને જીવ દીધો

ભુજ, તા. 11 : શહેરમાં મૂળ નખત્રાણા તાલુકાના પલીવાડ ગામના રહેવાસી મહેશ ડાહ્યાલાલ મહેશ્વરી (ઉ.વ. 24)એ પોતાની જાતે પોતાના પેટમાં કોઇ તીક્ષ્ણ હથિયારના ઘા મારી આત્મહત્યા કરી હતી. મરનારે તેની અસ્વસ્થ માનસિક હાલતને લઇને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ સમક્ષ લખાવાયું છે.પોલીસ સાધનોએ આપેલી જાણકારી મુજબ શહેરમાં વ્યાયામ શાળા વિસ્તારમાં ગાયત્રી કોલોની ખાતે બીજી ગલીમાંથી હતભાગી મહેશ મહેશ્વરી ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. આ સ્થળેથી તેના મામા વમોટી મોટી (અબડાસા)ના પેરાજ દેવશી મહેશ્વરીએ તેને અત્રેની જનરલ હોસ્પિટલમાં આજે બપોરે સાડા ત્રણેક વાગ્યાના સુમારે ખસેડયો ત્યારે ફરજ ઉપરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મરનારના મામાએ પોલીસ સમક્ષ લખાવેલી પ્રાથમિક કેફિયત મુજબ તેમના ભાણેજ મહેશ દ્વારા તેની માનસિક હાલત ખરાબ થવાથી કોઇ તીક્ષ્ણ હથિયારના જાતે પેટમાં ઘા મારીને આ પગલું ભરી લીધું હતું. પેરાજભાઇ તેમના ભાઇના ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમને મહેશ ઘાયલ અવસ્થામાં મળ્યો હોવાનું તેમણે લખાવ્યું હતું. એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો હાલ તુરત દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. - કન્ટેનર માથે પડતાં મોત  : બીજી બાજુ મુંદરા નજીક અદાણી બંદર વિસ્તારમાં એસ.ઇ.ઝેડ. ખાતે ક્રેનમાંથી છોડાયેલું તોતિંગ અને વજનદાર કન્ટેનર માથે પડતાં મૂળ પરપ્રાંતીય કામદાર શુભમકુમાર રામફલ વિશ્વકર્મા (ઉ.વ. 22)નું સ્થળ ઉપર જ મોત થયું હતું. તિરુપતિ એન્ટરપ્રાઇઝ ખાતે લાસર તરીકે કામ કરતા સમયે ગત મધ્યરાત્રે આ ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું. બનાવ બાબતે મરનાર સાથે કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની દીપક રામપાલ ઓરીએ ક્રેનના ચાલક માંડવીના અવ્વલ શંકરભાઇ ચૂડાસમા સામે ફરિયાદ દાખલ કરાવી હતી. મુંદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer