ભુજમાં સાતમ-આઠમે મીઠાઇની દુકાન તસ્કરોના નિશાને : રોકડ રકમ ચોરાઇ

ભુજ, તા. 11 : શહેરમાં દિવસભર અને છેક રાત્રિ સુધી લોકો અને વાહનોની અવરજવર થકી સતત ધમધમતા રહેતા વિસ્તાર મંગલમ ચાર રસ્તા સ્થિત ખાવડા સ્વીટ એન્ડ ફરસાણ નામની દુકાનનું શટર ઊંચું કરીને ગત રાત્રિ દરમ્યાન તેમાંથી રોકડ રકમની ચોરી થતાં કાયદાના રક્ષકો તહેવારોના બંદોબસ્ત વચ્ચે દોડધામમાં પડી ગયા છે. મંગલમ ચોકડીએ હારબંધ આવેલી દુકાનો પૈકીની આ દુકાન ગત મોડી સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે બંધ કરીને દુકાનના માલિક દયારામ ખીમજી દાવડા અને તેમના બે પુત્ર દિપેન અને મહેશ તથા કારીગર પ્રકાશ ઠક્કર અને હરદેવાસિંહ બળવંતાસિંહ જાડેજા વગેરે ઘરે જવા રવાના થયા હતા. આ પછી આજે સવાર સુધીમાં આ દુકાન કોઇ તસ્કરોનું નિશાન બની હતી. પરિચિત વ્યક્તિ દ્વારા દુકાનનું શટર ખુલ્લું હોવાની જાણ કર્યા બાદ ચોરીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. દુકાનના માલિક દયારામ દાવડાએ આ વિશે લખાવેલી ફરિયાદ મુજબ દુકાનનું શટર વચ્ચેથી ઊંચું કરીને હરામખોરો દુકાનમાં ઘૂસ્યા હતા. કાઉન્ટરના ખાનામાં પડેલા રૂા. પાંચ હજાર રોકડા તસ્કરો ઉઠાવી ગયા હતા. બનાવ વિશે જાણ કરાતાં એ- ડિવિઝન મથકની ટુકડી સ્થાનિકે ધસી જઇ સી.સી. ટી.વી. કેમેરાના અભ્યાસ સાથેની છાનબીનમાં પરોવાઇ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન જ શહેરમાં રઘુવંશી ચોકડી ખાતે આવેલી મીઠાઇની દુકાન ખાવડા સ્વીટ તસ્કરોનું નિશાન બની હતી. તો ચોરીની આ ઘટનાનાં પગલે મહાદેવ નાકા બહારનો લાંબો અને પહોળો વિસ્તાર પોલીસચોકી અને કડક નિગરાની વગરનો હોવાની ફરિયાદો અને લાગણીનો મુદ્દો પણ પુન: સપાટી ઉપર આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer