જયંતી ઠક્કરની વચગાળાની જામીન અરજી નકારતી ભચાઉ કોર્ટ

ભુજ, તા. 10 : કચ્છ ભાજપના અગ્રહરોળના જયંતી ભાનુશાલી હત્યા કેસમાં જ્યુડિશીયલ કસ્ટડી ભોગવી રહેલા જયંતીલાલ જેઠાલાલ ઠક્કર (ડુમરાવાળા)એ એન્જ્યોગ્રાફી માટે વચગાળાના જામીનની અરજી કરતાં ભચાઉની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એમ. એફ. ખત્રીએ જામીન અરજી નામંજૂર કરી છે. આરોપી જયંતીલાલ ઠક્કરની રેગ્યુલર જામીનની અરજી ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે તે વચ્ચે એન્જ્યોગ્રાફી માટે એક માસના જામીનની વચગાળાની જામીન અરજી ભચાઉ?કોર્ટે નામંજૂર કરી છે. આમાં મુખ્ય કારણમાં આરોપીએ અગાઉ વચગાળાના જામીન મેળવ્યા હતા અને વખતોવખત લંબાવવાના ઓર્ડર પણ મેળવ્યા હતા. તે સમય દરમ્યાન હૃદય સંબંધી ચકાસણી કરાવી શક્યા હોત તેવી ફરિયાદ પક્ષે રજૂઆત કરી હતી. આ ઉપરાંત એન્જ્યોગ્રાફી માટે એક માસના જામીન ખૂબ વધારે પડતા છે. સામાન્ય વ્યવહારમાં એન્જ્યોગ્રાફી માટે સવારે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો બપોરે રજા આપી દેવાય છે તેમજ એન્જ્યોપ્લાસ્ટી કરવાની પરિસ્થિતિમાં એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી દર્દીને રજા આપી દેવામાં આવે છે. આમ, આરોપી જામીનનો દુરુપયોગ કરવા માટે માગણી કરી હોવાની ફરિયાદ પક્ષે દલીલ કરી હતી. અદાલતે કાગળો અને દલીલો ધ્યાને લઇ જયંતીલાલ ઠક્કરના વચગાળાના જામીન નામંજૂર કર્યા હતા.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer