માધાપરમાં રમવા ગયેલાં બાળકને માતાએ બોલાવતાં રિસાઈને આપઘાત

ભુજ, તા. 10 : મનુષ્યમાં ધીરે ધીરે સહનશક્તિનું સ્તર ઘટતું જાય છે, આથી આપઘાતનું સ્તર ઊંચકાતું જ જાય છે. બાળકો પણ નાની-નાની બાબતોમાં રિસાઈને અંતિમ પગલું ભરી લે છે, ત્યારે હવે તો વાલીઓ પણ બાળકોને ઠપકો આપતાં ડરી રહ્યા છે. માધાપરમાં ગઈકાલે મિત્રો સાથે રમવા ગયેલા 13 વર્ષીય બાળક વીર વિજયબહાદુર ગુપ્તાને તેની માતા બોલાવવા જતાં તે રિસાઈ ગયો હતો અને ઉપરના રૂમમાં જ ગળેફાંસો ખાઈ લટકી પડતાં અરેરાટી વ્યાપી છે. બી-ડિવિઝન પોલીસ મથકમાં આ બનાવ અંગે નોંધાયેલી વિગતો મુજબ માધાપરના શ્રીહરિ પાર્ક ખાતે રહેતા વિજયબહાદુર શ્યામલાલ ગુપ્તા જે શેખપીર ફ્રૂટ માર્કેટમાં વેપાર કરે છે. તેનો 13 વર્ષીય પુત્ર વીર ગઈકાલે તેના મિત્રોની સાથે બહાર રમવા ગયો હતો. બેથી ત્રણ કલાક થવા છતાં વીર રમીને પાછો ન આવતાં તેની માતા તેને બોલાવવા ગઈ હતી. આથી વીર રિસાઈને જમ્યા વગર ઘરના ઉપરના રૂમમાં ચાલ્યો ગયો હતો. ત્યારબાદ એકાદ કલાક પછી ઉપર જઈ રૂમનો દરવાજો ખટખટાવતાં તેણે દરવાજો ખોલ્યો ન હતો. આથી દરવાજો તોડી અંદર જોતાં જ આંખો પહોળી થઈ ગઈ હતી. વીર બારીમાં શાલ બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. પરિજનો તુરંત તેને જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પરિવાર માથે આભ તૂટયાની આ ઘટનાનાં પગલે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મોટેરાંઓની સાથોસાથ બાળકોમાં પણ સહનશક્તિ ઘટી રહી છે અને દિવસાદિવસ આવાં અંતિમ પગલાંના બનતા બનાવો સમાજ માટે મંથન માગી રહ્યા છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer