આઇપીએલ મેગા લિલામી મોકૂફ

મુંબઇ, તા. 10 : બીસીસીઆઇએ આઇપીએલ 2021માં માટે થનાર મેગા ઓકશન હાલ આયોજીત ન કરવાનો નિર્ણય લીધો છે. આ મોટા ઓકશનમાં બધી ટીમો નવેસરથી પાંચ આઇકોન સિવાયના નવા ખેલાડીઓ ખરીદી કરીને ટીમ તૈયાર કરતી હોય છે. કોરોના મહામારીને ધ્યાને રાખીને બીસીસીઆઇએ આ મેગા ઓકશન અનિશ્ચિત મુદત માટે ટાળી દેવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર બીસીસીઆઇ 2021ની સિઝન માટે કોઇપણ પ્રકારનું ઓકશન રાખશે જ નહીં. આથી આવતી સિઝનમાં પણ ફ્રેંચાઇઝીએ હાલના જ ખેલાડીઓને જાળવી રાખવા પડશે. રિપ્લેસ કરી શકશે નહીં. આઇપીએલ 2020ની સિઝન યૂએઇમાં રમવાની છે. જે 10 નવેમ્બરે સમાપ્ત થશે. આ પછી બીસીસીઆઇ પાસે આવતી સિઝન માટે ફકત સાડા ચાર મહિનાનો સમય રહેશે. આથી બોર્ડની કોશિશ રહેશે કે લીગ પ0 દિવસ સુધી ચાલે અને 60થી વધુ મેચ રમાય. જેથી હિતધારકોને આ વર્ષે જે નુકસાન થયું છે તેની ભરપાઇ થઇ શકે. તમામ ફ્રેંચાઇઝીઓ પણ બોર્ડના વિચાર સાથે સહમત છે. તેઓ પણ જાણે છે કે નવી ટીમ બનાવવા માટેનો પર્યાપ્ત સમય નથી. આ ઉપરાંત બીજા કારણો પણ છે. જેવા કે આઇપીએલ પર્સ તૈયાર કરવું. જે હાલ 8પ કરોડ રૂપિયા છે. ભારતીય અને વિદેશી ખેલાડીઓ સાથે વાતચીત કરીને ઓકશન લિસ્ટ તૈયાર કરવું. જેમાં ઘણો સમય લાગી શકે છે. ફ્રેંચાઇઝીઓને બિડીંગ કરવા માટે સમય આપવો. ટીમોને મોટાભાગે હરાજી માટે તૈયાર કરવામાં ચાર મહિનાથી વધુનો સમય લાગે છે. નવા ખેલાડીઓને ટીમ સાથે જોડયા બાદ બ્રાંડ એક્ટિવીટી પણ ઘણો સમય લે છે. આથી આઇપીએલ-2021ની સિઝન જે લગભગ એપ્રિલમાં શરૂ થશે અને જૂનના સમાપ્ત થશે તે પછી જ મેગા ઓકશનની યોજના બીસીસીઆઇ તૈયાર કરશે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer