સરહદી પંથકમાં મેઘરાજાએ શુકન સાચવ્યું

સરહદી પંથકમાં મેઘરાજાએ શુકન સાચવ્યું
ભુજ, તા. 10 : શ્રાવણી પર્વ સાતમના મેઘરાજાએ શુકન સાચવ્યું હતું. ભુજમાં માત્ર છાંટા પડયા હતા, જ્યારે તાલુકાના પચ્છમ પંથકમાં બેથી અઢી ઈંચ વરસાદના હેવાલ છે. તો અબડાસાના કેટલાક ગામોમાં એકાદ ઈંચ પાણી પડયું હતું. આ ઉપરાંત વાગડના ગામોમાં એકથી દોઢ ઈંચ વરસાદથી કૃષિને લાભ થવાની આશા છે. અબડાસામાં આજે નલિયા, તેરા, કાળા તળાવ, કુણાઠિયા સહિતનાં ગામોમાં સવારે એકાદ ઈંચ વરસાદ થયો હતો. ગરડા વિસ્તારના વાયોર અને આસપાસના ગામોમાં પણ ઝાપટાં સ્વરૂપે મેઘરાજાએ હાજરી પુરાવી હતી. સુથરી, બેરા, આધાપર અને કાંઠાળ વિસ્તારમાં આજે દિવસ દરમ્યાન હળવાં ઝાપટાં વરસ્યાં હતાં. રણકાંધીના પચ્છમ પંથક પર આજે પુન: મેઘરાજા મહેરબાન થયા અને સામાન્ય છાંટાથી બેથી અઢી ઈંચ વરસાદના સમાચાર મળી રહ્યા છે. મુખ્ય મથક ખાવડામાં છેલ્લા બે દિવસથી સમયાંતરે ઝાપટાં પડી રહ્યાં છે, જે ખેતી અને પશુઆહાર માટે ફાયદાકારક કહી શકાય. ઉત્તર તરફનાં ગામડાં ધ્રોબાણામાં બપોરે અડધો કલાક ધોધમાર વરસાદથી એક-દોઢ ઈંચ સાથે કુરન, સુમરાપોર વિ.માં બેથી અઢી ઈંચ પાણી પડયાના વાવડ મુસા સુમરાએ આપ્યા હતા. કાળા ડુંગર પર માત્ર ઝાપટાં હતાં. તુગાના અગ્રણી હાજી રાયસલના જણાવ્યા અનુસાર ઉત્તર તરફનાં ગામડાંમાં પણ એક-દોઢ ઈંચ વરસાદ થયો છે. ખારી, અંધૌ વિ. ગામોમાં વરસાદ નથી પરંતુ વાતાવરણ વાદળછાયું અને સાથે વરસાદી માહોલ સમગ્ર પંથકમાં છે. ઉકળાટ અને બફારો હજુ વરસાદ થવાનું સૂચવે છે. આજે વરસાદી માહોલ વચ્ચે વાગડ વિસ્તારમાં લોદ્રાણી, શિરાનીવાંઢ, પલાંસવા, કાનમેર, ગાગોદર, કીડિયાનગર, ઘાણીથર સહિતનાં ગામોમાં વરસાદનાં જોરદાર ઝાપટાં પડયાં હતાં. સતત છેલ્લા ત્રણ દિવસથી વરસાદનાં ઝાપટાં ગ્રામ્ય વિસ્તારોમાં પડી રહ્યાં છે. આ વરસાદથી મગ, તલ, બાજરી, જુવાર, એરંડા, કપાસ સહિતના પાકને ફાયદો થશે તેમ પલાંસવાના માજી સરપંચ રમેશભાઈ ખોડે જણાવ્યું હતું. તો શિરાનીવાંઢ સહિત આજુબાજુના ગામોના વિસ્તારમાં એકથી દોઢ ઈંચ વરસાદ પડયો હોવાનું નરેન્દ્રભાઈ ચાવડાએ કહ્યું હતું. પલાંસવા, કીડિયાનગર, કાનમેર, ઘાણીથર, ગાગોદરમાં વરસાદનાં ઝાપટાંથી ખેતી માટે ઉત્તમ વરસાદ હોવાનું તાલુકા પંચાયતના સદસ્ય લખમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું. આમ, વાગડ વિસ્તારમાં વરસાદનાં ઝાપટાંથી લોકોને ગરમીમાં રાહત મળી હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer