કોરોના સામેના `બ્રહ્માત્ર''ની જ અંજારમાં અવગણના

કોરોના સામેના `બ્રહ્માત્ર''ની જ અંજારમાં અવગણના
ઉદય અંતાણી-રશ્મિન પંડયા દ્વારા અંજાર, તા. 10 : સમગ્ર વિશ્વને અજગરી ભરડામાં લેનારી કોરોના મહામારીનો કહેર ધારણા મુજબ જુલાઈ બાદ હવે ઓગસ્ટ મહિનામાં દિવસો દિવસ બેકાબૂ બનતો જાય છે. સરહદી કચ્છ જિલ્લામાં કોરોનાનો આંક સાતમી સદીને પાર થઈ ગયો છે. કચ્છના 10 તાલુકા પૈકી ઐતિહાસિક શહેર અંજારમાં આ મહામારીનો આંક પણ ઐતિહાસિક રીતે આગળ વધી રહ્યો છે અને સોમવારે સદી પૂરી થઇ છે. શહેર કોરોના વાયરસની નાગચુડમાં ફસાઈ રહ્યું છે ત્યારે હાલ શહેરીજનોમાં કોઈપણ પ્રકારના ભયનો માહોલ રૂબરૂ મુલાકાત દરમ્યાન જણાતો ન હતો. તેમજ કોરોનાના નિયમોની અમલવારી ઘણાખરા અંશે જોવા મળી ન હતી. જો આવી જ પરિસ્થિતિ રહી તો અંજાર કચ્છનું વુહાન બની જશે તેવી દહેશત શહેરના જાગૃત નાગરિકોએ ચહેરા ઉપર ચિંતાની લાગણી સાથે વ્યક્ત કરી હતી. શહેરને બચાવવું હશે તો `ભય બીન પ્રીત નહીં' કહેવત મુજબ કોરોનાની કામગીરીથી થાકેલાં વહીવટી તંત્રએ ધાક બેસાડતી કામગીરી કરવી જ રહી તેવો સૂર આ શહેરની મુલાકાત દરમ્યાન જાગૃત લોકોએ વ્યક્ત કર્યો હતો. ઐતિહાસિક ભૂલો આ રહી લોકડાઉન લાગુ થયું ત્યારે અને કચ્છમાં જ્યારે કોરોનાના કેસ આવવા શરૂ થયા ત્યારે તમામ તાલુકાઓ સુરક્ષિત હતા. પરંતુ છેલ્લા ત્રણ મહિનાથી અંજારમાં આ મહામારીનો આંક ચિંતાજનક રીતે આગળ વધી રહ્યો છે. આ પરિસ્થિતિ પાછળ ક્યા પરિબળો જવાબદાર છે તેની જમીની હકીકત જાણવા માટે `કચ્છમિત્ર'ની ટીમે આજે રૂબરૂ મુલાકાત લીધી હતી. શહેરમાં પ્રવેશતાંની સાથે જ ખડિયા તળાવ સામેની દુકાનોમાં તેમજ બગીચાની સામે નાસ્તાની દુકાનમાં કોઈ વેપારીઓ માસ્ક પહેરેલા જોવા મળ્યા ન હતા. દુકાનો પાસે ચારથી વધુ લોકો ઊભેલા નજરે પડયા હતા. તે પૈકી અમુક લોકો તો જાહેરમાં થૂંકતા પણ નજરે પડયા હતા. આગળ વધતાં 12 મીટર રોડ ઉપર બજારમાં પણ અનેક વાહન ચાલકો માસ્ક વગર નજરે પડયા હતા. અમુક લોકોએ માસ્ક પહેર્યાં હતાં. પરંતુ મોઢાંની નીચે ઉતારીને રાખ્યાં હતાં. સામાજિક અંતર માટે વેપારીઓએ દુકાન આગળ આડસ રાખી હતી. પરંતુ ગ્રાહકો એક જાય પછી જવાના બદલે બાજુમાં ઊભેલા જણાયા હતા. બજાર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતિ જણાઈ હતી. અગાઉ શહેરની જૂની શાકમાર્કિટ ટાઉનહોલમાં હતી ત્યારે ભીડ થતી નહોતી. પરંતુ હવે માધવરાય મંદિર પાસે જ શરૂ કરી દેવાઈ છે. જેના કારણે સામાજિક અંતરનો છેદ ઉડી જાતો હોવાનું શહેરીજનોએ જણાવ્યું હતું. વહીવટી તંત્ર પણ જવાબદાર આ વાત થઈ શહેરીજનોની બેદરકારીની પરંતુ વહીવટી તંત્ર પણ હવે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ઉદાસીન બનતું હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે. અગાઉ જ્યારે કેસ ન હતાં ત્યારે નગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારમાં સતત સેનિટાઈઝિંગની કામગીરી કરાતી હતી. પરંતુ હવે સેનિટાઈઝિંગ ઉપરાંત અન્ય કામગીરીમાં પણ ઉદાસીનતા દાખવવામાં આવતી હોવાનું શહેરની મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું હતું. હવે જ્યાં કેસ આવે છે તે ઘર પૂરતું જ સેનિટાઈઝ કરાતું હોવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે. માસ્ક ન પહેરવા બદલ અને જાહેરમાં થૂંકવા બદલ દંડનાત્મક કાર્યવાહીની જોગવાઈ છે. પરંતુ પોલીસ પ્રશાસન દ્વારા નિયમિત રીતે કોઈપણ કામગીરી કરાતી ન હોવાની પરિસ્થિતિ જણાઈ હતી. બજારમાં અઠવાડિયાંમાં એકાદ વખત પોલીસ ટુકડી આંટો મારે ત્યારે તે દિવસ પૂરતા લોકો માસ્ક પહેરે પરંતુ ત્યારબાદ જૈસે થે. ટેસ્ટ કરાવીને થાય છે હરફર સંક્રમણ વધવાનું મુખ્ય કારણ સેમ્પલ આપ્યા બાદ દર્દીઓ, શંકાસ્પદ દર્દીઓ બેરોકટોક શહેરમાં અનેક લોકોને મળે છે. સેમ્પલ આપ્યા બાદ ક્વોરેન્ટાઈન કે હોસ્પિટલમાં જ રાખવા જોઈએ તેવું શહેરીજનોએ જણાવ્યું હતું. અગાઉ હોમ ક્વોરેન્ટાઈન હતા તેમની તપાસ માટે પણ ટીમ દિવસમાં ત્રણ વખત આવતી હતી. આ કામગીરી પણ હવે ઓછી થઈ ગઈ હોવાની રાવ પણ ઉઠી હતી. શહેરના લાયન્સ નગરમાં પ્રથમ કેસ બહાર આવ્યા બાદ નગરમાં જુલાઈ મહિનામાં સંક્રમણના અનેક કિસ્સા બહાર આવતા ગયા. ધારણા મુજબ ઓગસ્ટ મહિનામાં શહેર ઉપર આ વાયરસે પોતાની પકડ વધુ મજબૂત બનાવી છે. ગત તા. 8 ઓગસ્ટની સ્થિતિએ 91 જેટલા શહેરીજનો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જે પૈકી 32 જણા સ્વસ્થ બન્યા છે. જ્યારે આજની સ્થિતિએ 60થી વધુ કેસ એક્ટિવ છે. હજુ પણ આગામી દિવસોમાં સંક્રમણનો આંક વધશે જ તેવી દહેશત સતાવી જ રહી છે. શું કહે છે આરોગ્ય અધિકારી અંજારના તાલુકા આરોગ્ય અધિકારી ડો. રાજીવ અંજારિયાએ જણાવ્યું હતું કે સંક્રમણ વધવાના બે કારણો છે. તે પૈકી એક કારણ લોકોમાં જાગૃતિનો અભાવ. શહેરના 12 મીટર રોડ અને માલા શેરી વિસ્તારમાં લોકો બીનજરૂરી રીતે બહાર નીકળી રહ્યા છે. હાલ શહેરમાં વધતા કેસના આંકના કારણે છેલ્લા બે ત્રણ દિવસથી લોકોમાં થોડી જાગૃતિ આવી છે. બીજું કારણ આસપાસના એકમોમાં સંક્રમિત થયેલા કર્મચારીઓના કારણે સંક્રમણ વધ્યું છે. વેલ્સપન સહિતના એકમોના કર્મચારીઓ વધુ સંખ્યામાં સંક્રમિત બન્યા છે. આ ઉપરાંત જે વાયરસ લોડ વધુ હોય તેવા દર્દીઓના સંપર્કથી આવેલા પરિવારજનોના કારણે પણ શહેરમાં ચેપ વધ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. સંક્રમિત દર્દીના સંપર્કમાં ન અવાય તે માટેની તકેદારી પણ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. બારાતુ અને બેજવાબદાર અંજારના વેપારી ભરત ઠક્કરે બહારથી આવેલા લોકોએ સાવચેતી ન રાખી અને વહીવટી તંત્રએ આવતા લોકોના આરોગ્યની પૂરતી તપાસ ન કરી હોવાના કારણે અંજારમાં કોરોનાનો કહેર વધ્યો હોવાનું જણાવ્યું હતું. કંપનીઓમાં પણ બહારથી આવેલા કર્મચારીઓને જ ચેપ લાગ્યો હોવાનું તેમણે કહ્યું હતું. જો આમને આમ પરિસ્થિતિ રહી તો શહેરમાં સંક્રમણ અટકાવવા માટે મુશ્કેલભરી પરિસ્થિતિ બની જશે. માસ્ક પહેરવું અને સામાજિક અંતરજાળવવું જ પડશે તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ઉદ્યોગગૃહોમાં બેદરકારી... એલ.વી. વોરાએ આસપાસના ઉદ્યોગગૃહમાં સામાજિક અંતરના નિયમનું પાલન જ ન થતું હોવાના કારણે શહેરમાં સંક્રમણ વધ્યું હોવાનું અને લોકો પણ માસ્ક અને સામાજિક અંતર જાળવતા ન હોવાની બાબત પણ સંક્રમણ પાછળ જવાબદાર હોવાનું તેમણે ઉમેર્યું હતું. કોરોનાને નાથવા માટે ઘરગથ્થુ ઉપચારો પણ છે તેનો પણ ઉપાય કરવા અંગે લોકોમાં જાગૃતિ ન હોવાનું તેમણે કહ્યું હતું. દુકાનમાં ધરાર લોકો બાજુમાં આવીને ઊભી જતા હોવાનું અને સામાજિક અંતર લોકો જાળવતા ન હોવાના કારણે શહેરમાં પરિસ્થિતિ વણસી હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ વાયરસને નાથવા માટે સ્વયંશિસ્ત જ અપનાવવું પડશે તેવું ભારપૂર્વક કહ્યું હતું. શાકમાર્કેટ એપી સેન્ટર સુધરાઈના પૂર્વ વિપક્ષી નેતા અને સુધરાઈ સભ્ય જીતેન્દ્ર ચૌટારાએ પણ લોકોમાં જાગૃતિના અભાવે સંક્રમણ વધ્યું હોવાનું જણાવ્યું હતું. અંજારની શાકમાર્કેટમાં અન્ય શહેરમાંથી પણ લોકો આવતા હોય છે. વહેલી સવારે ભરાતી આ શાકમાર્કેટમાં સામાજિક અંતર લેશ માત્ર પણ જળવાતું ન હોવાનું કહ્યું હતું. એક મહિલા સંક્રમિત થઈ છે ત્યારે આગામી દિવસોમાં તકેદારી નહીં રખાય તો ઔદ્યોગિક એકમો બાદ શાકમાર્કેટમાંથી કોરોનાનો વિસ્ફોટ થશે તેવી ભીતિ વ્યક્ત કરી હતી. અંજારની જૂની શાકમાર્કેટમાં પણ નિયમોનું ધરાર પાલન ન થતું હોવાનું જણાવ્યું હતું. આરોગ્ય તંત્ર, પોલીસ સહિતના વિભાગમાં સ્ટાફની અછતના કારણે પણ આ મહામારી સામેની લડતમાં તંત્રની પકડ ઢીલી પડતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત સંક્રમિત દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવતા હોવાની બાબત પણ તેમણે કહી હતી. બજારના કલાકો સ્વૈચ્છિક ઘટાડો કન્ટેઈનમેન્ટ ઝોનમાં પોલીસની સતત હાજરી રહેતી ન હોવાના કારણે અમલીકરણ યોગ્ય રીતે થતું ન હોવાનું કહ્યું હતું. આવી પરિસ્થિતિમાં વેપારીઓએ બજારનો સમય બપોરે ચાર વાગ્યા સુધીનો રાખવો જોઈએ પરંતુ વિવિધ વેપારી સંગઠનોમાં એકતા ન હોવાનું કહ્યું હતું. અંજારના તબીબ ડો. માતંગે જણાવ્યું હતું કે, બજારમાં લોકો માસ્ક અને સામાજિક અંતર જાળવતા ન હોવાના કારણે શહેરમાં સંક્રમણ વધ્યું હોવાનું કહ્યું હતું. વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં આરોગ્ય વ્યવસ્થા નબળી છે ત્યારે માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવી તકેદારી રાખવી એ એક માત્ર ઉપાય હોવાનું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. બ્રહ્માત્ર છે છતાં અવગણના કોરોનાનું સંક્રમણ ફેલાવાના અનેક કારણો છે. પરંતુ તેનાથી બચવા માટેના બે જ ઉપાય છે. તે છે, માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવવું. આ નિયમનું પાલન કરાવવા તંત્ર કમર કસે તે સમયની માંગ હોવાનું શહેરના જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે. વેપારીઓ ધ્યાન રાખે છે અંજાર ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશનનના પ્રમુખ કુલીન પલણે પણ લોકો કોરોનાના નિયમોની અવગણના કરતા હોવાના કારણે સંક્રમણ વધ્યું હોવાનું કહ્યું હતું. અમુક લોકોમાં જાગૃતિ છે. પરંતુ આ મામલે શહેરની તમામ પ્રજામાં જાગૃતતા આવે તે જરૂરી હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો. એસોસિએશન દ્વારા તમામ હોલસેલ વેપારીઓને દુકાનમાં સામાજિક અંતર જાળવવા અંગે સૂચના આપવામાં આવી હોવાનું અને વેપારીઓ પૂરતી તકેદારી રાખતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer