ભૂગર્ભ જળસિંચન ક્ષેત્રે માંડવી તાલુકાને મોટી સફળતા

ભૂગર્ભ જળસિંચન ક્ષેત્રે માંડવી તાલુકાને મોટી સફળતા
દેવેન્દ્ર વ્યાસ દ્વારા માંડવી, તા. 9 : દાયકાના અંતિમ વર્ષમાં મેઘરાજાએ ઓળઘોળ થઇ આ દરિયાઇ પંથકને ન્યાલ કરવાની સમાંતરે આ તાલુકામાં જળસંગ્રહ, કૂવા રિચાર્જિંગ ક્ષેત્રે નેત્રદીપક, પ્રેરણાદાયક અભિયાન આંખ ઠારી રહ્યું છે. ભૂલાલચુઓ દ્વારા પરંપરાગત જળશયોમાં પૂરાણ થઇ રહ્યાં હોય, પ્રાકૃતિક વરસાદી વહેણને નાથવા અને બાંધવાની કુચેષ્ટાઓ થઇ રહી હોય ત્યારે સરકારી યોજનાઓને સાંકળીને જનભાગીદારી સખી દાતાઓના સંગાથે ડઝનબંધ ગામડાંઓમાં કરોડો લિટર પાલર પાણીનો જળસચય બહુહેતુક લાભદાયી સાબિત થશે એવું જળ મંદિરોના પૂજક વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. ગોધરામાં બે નવાં તળાવો થયા. શિરવાની જળસંગ્રહ સમિતિના નેજા હેઠળ દોઢ કરોડ લિટર સંગ્રહ, મસ્કામાં જળસંચયને લીધે ભૂતળ સુધરતાં પંચાવનસો ટી.ડી.એસ. વાળું પાણી સુધરીને બારસો, તેરસો ટી.ડી.એસ. સુધી આવી ગયું હોવાનો દાવો મસ્કાના સરપંચે કર્યો હતો. કાઠડા, લાયજા, દેવપર (ગઢ), મોટા ભાડિયા, ડોણ વાડી વિસ્તાર, નાગલપર, સહિતના ડઝનબંધ કામોમાં વરસાદી વહેણને નાથવામાં આવતાં કરોડો લિટર જળસંગ્રહ આશીર્વાદરૂપ નીવડશે એવું ક્ષાર નિયંત્રણ યોજનાના વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. આ દાયકાના આરંભે અઠોતેર ઇંચ વરસાદ સાથે રાજ્યભરમાં મોખરે રહેલો આ બંદરીય તાલુકો દસકાના અંતિમ વર્ષે એકત્રિસ ઇંચ (767 મિ.મી) સાથે જિલ્લામાં અવ્વલ આંક નોંધાતાં આનંદોત્સવ વચ્ચે સાતમ-આઠમ સુકનિયાળ અનુભવાઇ રહી છે. શહેરનું ટોપણસર ત્રીજી વખત, વિજય સાગર બીજીવાર ઊભરાયા છે. તે સાથે અરબો - ખરબો લિટર પાલર પાણી દરિયામાં વહી ગયું છે. ગ્રામ વિકાસના મંત્ર સાથે જળસંચય અભિયાન છેડનારા વી.આર.ટી.આઇ.નો પુરુષાર્થ જાણે રંગલાવી રહ્યો હોય એવી જનજાગૃતિ કાબિલેદાદ મૂલવાઇ રહી છે. કાઠડા તા.પં. બેઠકના પ્રતિનિધિ દેવાંધ મેઘરાજ સાંખરાએ પોતાના કાર્યક્ષેત્રવાળાં ચારેય ગામો (કાઠડા, શિરવા, નાના લાયજા અને ભારાપર)માં `સુજલામ્ સુફલામ્' અને ગ્રામ પંચાયત, જનભાગીદારી વડે અપૂર્વ જળસંગ્રહના કામો સાકાર થયાં હોવાનો દાવો કર્યો હતો. દરિયા કિનારે વસેલા આ ચારણી બાહુલ્યવાળા ગામે પાંચ કરોડ લિટર પાલર પાણીનો સંગ્રહ કરાયો છે. યોજના હેઠળ ત્રણ જળાશયો નસીબ થયા છે. પાંચોટિયામાં બોર બનાવાયો છે. મોટા લાયજા ગામે મુંબઇ સ્થિત જૈન સખીદાતાઓ, ગ્રામ પંચાયત, સુ.સુ. યોજનાના સંકલિત પ્રદાન વડે 3 કરોડ 10 લાખ લિટર જળસંગ્રહ સંભવ બન્યો છે. ગામના તળાવને નવા જળાશય સાથે સાંકળીને ઊંડુ ઉતારાયું છે. અહીં શ્રેષ્ઠીઓનું આર્થિક પ્રદાન બુહમ્લ્યૂ દર્શાવાયું છે. શિરવામાં હરેશભાઇ દયાળજી ભાનુશાલી, કિશોરભાઇ વગેરેએ નદી પટમાં મોટું નવું જળશય સમેત બે સ્થળોએ ત્રણ કરોડ લાખ લિટર જળસંગ્રહ ઉપલબ્ધ કરાવ્યો હોવાની જાણકારી ક્ષાર નિયંત્રણ યોજનાના મ. ઇજનેર દર્શિત મોઢે આપી હતી. પ્રાપ્ત વધુ વિગતો મુજબ ઉપરોકત આંકડામાં અડધો અડધ જળસંગ્રહ એક કરોડ 50 લાખ લિટર સરકારની કોઇ પણ યોજનાગત સહાય વગર કૃષ્ણાર્પણ કરાયો છે. ગોધરામાં યોજના હેઠળ બે તળાવોના નિર્માણ થકી 58 લાખ લિટર ર્વેડફાતાં વરસાદી જળ નાથવામાં આવ્યું છે. ડોણવાડા વિસ્તારમાં નારાણભાઇ કેરાઇની દોરવણી હેઠળ જાગૃત કૃષિકારો ખીમજી ધનજી કેરાઇ અને ભરતભાઇ મહેશ્વરીની દિલોજાન દોસ્તી થકી ગતવર્ષે માલિકીની બે એકર જમીન ઉપર સ્વખર્ચે નિર્માણ પામેલું વરણીરાજ જળાશય આ વેળાએ ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસો થકી સુ.સુ. યોજનામાં સ્વીકારાતાં અંદાજે પચ્યાસી લાખ લિટર જળસંગ્રહ સંભવ બન્યો છે. બિદડાના સરપંચ અને તાલુકા ભાજપાના પ્રમુખ સુરેશભાઇ વલુભાઇ સંઘારે આપેલી જાણકારી પ્રમાણે રાજાશાહી વખતના અને નિર્જીવ બનેલા ત્રણ બોર ત્રણ ત્રણ વેળા રિચાર્જ થતાં 4500 ટી.ડી.એસ. વાળું પાણી સુધરીને સોળ-સત્તરસો ટી.ડી.એસ. ઉપર પહોંચ્યું છે. બિદડા ગામના બસ સ્ટેશન સામે ધોબીઘાટ અંદર અને પ્રાથિમિક શાળા પાસેના ત્રણેય કૂવાઓ 70-80 ફૂટ ઊંડા હોવાથી મોટા પ્રમાણમાં પાણીની ગુણવત્તા સુધરવા જઇ રહી છે. એવો દાવો કરાયો હતો. માગ્યા મીં મળતાં સદર કૂવાઓના શણગાર સાથે જળપૂજન કરાયું હતું. મોટા ભાડિયામાં 14-14 હજાર કયુબિક મીટર ક્ષમતાવાળા બે જળાશયોમાં 2 કરોડ 28 લાખ લિટર જળસંગ્રહ વડે સ્તુતિકર કામ થયું હોવાનું જાણકારોએ કહ્યું હતું. દેવપર (ગઢ)માં ચાર તળાવો નવા નસીબ થયા. જૈન દાતાએ પોત્રાના, બાપ - દાદાના દાન વડે ભૂતકાળમાં અર્પણ કરાયેલા તળાવને ઊંડા કરાવતાં એક કરોડ 85 લાખ જળસંગ્રહ સંભવ બન્યો છે. નાગલપરમાં આઠ-આઠ હજારવાળા બે તળાવો સુ.સુ. યોજના હેઠળ સમાવિષ્ટ કરતાં એક કરોડ સાઇઠ લાખ લિટરની જળરાશિ વેડફાતી બચાવી લેવાઇ છે. પાદરના મસ્કા પંથકમાં સાડા પાંચ હજાર ટી.ડી.એસ.વાળું પાણી સુધરીને બાર-તેરસો ટી.ડી.એસ. સુધી આવી ગયું હોવાનો દાવો યુવા અગ્રણી અને સરપંચ કીર્તિભાઇ ગોરે કર્યો હતો. મસ્કાથી રાવળપીર જતા એક સમયે નાનકડો ખડિયો હવે જળાશયમાં તબદીલ થયો છે. પાંચ ગામોના વરસાદી વહેણ (પાણી) પાદરેથી દરિયા તરફ વહેતાં હોય એ ભૂગર્ભ સુધારણા અર્થે વધુને વધુ નાથવા વધુ એકાદ ચેકડેમ સમયનો તકાજો હોવાનું શ્રી ગોરે કહ્યું હતું. જળ એટલે જીવનનો મહામંત્ર અંગિકાર કરી પંથકમાં ત્રણ બોર રિચાર્જ કરાયા છે. વરસાદી ટીપેટીપું વેડફાતું બચાવાય તો કૃષિ અને પશુપાલન બળૂંકુ બની શકે એટલે તંત્ર પાસે પરિણામલક્ષી સંવેદનશીલતાની અપેક્ષા રખાઇ છે. ક્ષાર નિયંત્રણ યોજના હેઠળના તંત્ર - મ. ઇજનેર દર્શિતિ મોઢે જનભાગીદારી, જન જાગૃતિ, દિલેર દાતારી અને સરકારી યોજનાની હકારાત્મકતાને લીધે અભિયાનને અદ્ભુત લેખાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer