સમંડા-હમલાની સીમમાં ચાર મોરના ટહુકા વિલાયા

સમંડા-હમલાની સીમમાં ચાર મોરના ટહુકા વિલાયા
મોટી વિરાણી-માંડવી, તા. 10 : પવનચક્કીના ખુલ્લા વીજવાયરો-થાંભલાના સંપર્કમાં આવતાં મોરના મૃત્યુનો સિલસિલો જારી રહ્યો હોય તે સમંડા ગામની સીમમાં અને હમલાની સીમમાં ચાર જેટલા રાષ્ટ્રીય પંખીના ટહુકા કાયમ માટે શાંત પડી જતાં લોકોમાં અરેરાટી સાથે રોષની લાગણી ફેલાઇ છે. નખત્રાણા - અબડાસા તાલુકાની સરહદની ત્રિભેટે સમંડા ગામની સીમતળમાં પવનચક્કીના ડબલ થાંભલા (ડીપી)ની ખુલ્લી વીજલાઇનના સંપર્કમાં આવેલા ત્રણ મોરના મોત થતાં આ વિસ્તારના જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ હતી. ગામના અગ્રણી ભરતસિંહ સ્વરૂપસિંહ જાડેજાએ ઘટના અંગે ગામના સરપંચ સોનબાઇ મહેશ્વરી, તલાટી નયનભાઇને જાણ કરતાં ગ્રામ પંચાયત અધિકારીઓએ નલિયા જંગલ ખાતાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરતાં તપાસ માટે જંગલ ખાતાના ગાર્ડ મોહનભાઇ જોશી પહોંચી આવી સુઝલોન પવનચક્કી કંપનીના કર્મચારી કનુભા જાડેજાની ઉપસ્થિતિમાં પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના સ્થળે ગામના આગેવાનો મહિપતસિંહ જાડેજા, ભરતસિંહ સવાઇસિંહ, શત્રુઘ્નસિંહ સ્વરૂપસિંહ, ભરતસિંહ કેશુભા સહિતના અગ્રણીઓએ મોરનો ભોગ લેનારો સતત ચોથો બનાવ બનતાં રોષ વ્યક્ત કરી સુઝલોન કંપનીના જવાબદારો સામે દરેક વખતે વિરોધ દર્શાવતાં ખુલ્લા વીજ વાયરોને કેબલ લગાડી અબોલ પક્ષીઓના મૃત્યુને રોકવા ફરીથી વિરોધ સાથે જાણ કરી હતી. આજે મરણ પામેલા 3 મોર પક્ષીમાં બે મોર અને એક ઢેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પવનચક્કીના વીજ પથારાએ માંડવી તા.ના હમલાની સીમમાં ગઇકાલે વધુ એક મોરના મોતની દુર્ઘટનાએ અરેરાટી ફેલાવી હતી. રોહા પંથકમાં ખાનગી સાહસોની પવનચક્કીઓની ભારે વીજ લાઇનો-વીજતાર અવાન્તરે મોરને ભરખી રહ્યા હોવાના આક્રોશ સાથે આ તાલુકાના હમલા-રતડિયા પંથકમાંથી પણ ઉગ્ર પ્રત્યાઘાતો બહાર આવ્યા છે. ગત જૂના માસમાં પણ ત્રણ મોરના મૃત્યુ થયા છતાં હજુ તંત્ર જાગ્યું નથી. બનાવની જાણ કરાતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર કૌશિકભાઇ ખેર, ફોરેસ્ટરો રણજિત સોલંકી, વિજય મોદી સાથે સ્થાનિકે જઇને પંચનામાની કાર્યવાહી પૂરી કરી મોરના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયો હતો. હમલાના રમેશ ભાનુશાલી, ઉમેશ ભાનુશાલી, ભરત ભાનુશાલી, જેઠાલાલ ભાનુશાલી ઉપરાંત રતડિયાના વિશ્રામ ગઢવી, ઇબ્રાહીમભાઇ વિ. સુરક્ષિત વીજ લાઇનો પ્રસ્થાપિત કરવાની માંગ દોહરાવી હતી. ગામની સીમતળમાં સિમેન્સ રિન્યુએબલ એનર્જી તથા જી.ઇ. કંપની દ્વારા ભારે વીજતાર વન સંરક્ષણ જમીન તથા પશુ-પક્ષીના પીવા માટેના પાણીના તળાવમાં અનધિકૃત રીતે નખાયા હોવાનો આક્ષેપ કરાયો હતો. જીવલેણ વીજરેષા થકી રાષ્ટ્રીય પક્ષી મોર તથા પશુધન શિકાર બનતા બચાવવા સુરક્ષિત વીજરેષા પ્રસ્થાપિત થાય ત્યાં સુધી વીજ પુરવઠો બંધ કરવા માંગ બળવત્તર બની હોવાનું અનિલ ભાનુશાલીએ જણાવ્યું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer