મુંદરામાં માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોન આવો કેમ ?

મુંદરા, તા. 10 : કોરોનાની મહામારીથી મુંદરા પ્રમાણમાં બચી જવા પામ્યું છે, પરંતુ તંત્રની લાપરવાહી બધાને ભારે પડશે તેવી જવાબદાર નાગરિકોએ ફરિયાદ કરી છે. નગરની મધ્યમાં આવેલા ફોફળ ફળિયા વિસ્તારમાં 1 દર્દી બે દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યો. આરોગ્ય તંત્રની ટીમે 17 ઘરને કવોરેન્ટાઇન કર્યા પણ તેનો અર્થ કાંઇ ન રહ્યો તેવું નજીકના રહેવાસીઓએ જણાવ્યું હતું. આ વિસ્તારના કવોરેન્ટાઇન ઝોનમાં આવતા નાગરિકો આરામથી હરે-ફરે છે. ગામમાં રોજગાર અર્થે પણ જાય છે પણ કશા પગલાં લેવામાં આવતાં નથી. આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્ર એકબીજા ઉપર જવાબદારીની ફેંકાફેંક કરે છે. કયો વિસ્તાર કવોરેન્ટાઇન કરવામાં આવ્યો તેની જાણ આરોગ્ય તંત્ર પોલીસ તંત્રને કરતું નથી. નાગરિકો રોષ સાથે જણાવે છે કે આ વિસ્તારના કેટલાક નાગરિકો માસ્ક પણ પહેરતા નથી, જે વધુ ચિંતાજનક છે, તેવું તેમણે ઉમેર્યું હતું. વાસ્તવમાં કવોરેન્ટાઇ ઝોન જાહેર થયા બાદ એ વિસ્તાર પૂરતી અવર-જવર ઉપર રોક લાગવી જોઇએ, પણ એવું થતું નથી. નગરજનોનું કહેવું છે કે જે હાલત અંજાર-ગાંધીધામની થઇ એવી હાલત મુંદરાની થતાં વાર નહીં લાગે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer