કૃષિ વેપારના અધ્યાદેશના સુધારા માટે દેશભરના કિસાનો અભિયાન ચલાવશે

ભુજ, તા. 10 : ભારતીય કિસાન સંઘ દ્વારા સમગ્ર દેશભરમાંથી ગ્રામ સમિતિઓ દ્વારા નવીન કૃષિ વેપાર અધ્યાદેશ 2020માં સુધારા માટે વડાપ્રધાન અને કેન્દ્રના કૃષિમંત્રીને 1પ ઓગસ્ટ સુધી આવેદનપત્ર મોકલાશે, જેમાં બધા જ પ્રકારની ખરીદી કમસે કમ ટેકાના ભાવથી થાય, ખાનગી વેપારીઓનું રાજ્ય કેન્દ્રમાં રજિસ્ટ્રેશન અનિવાર્ય કરી તેની સંપૂર્ણ બેક સિક્યોરિટીની માહિતી પોર્ટલ પર અપાય, કોઈ પણ વિવાદમાં તેનો ઉકેલ જિલ્લામાં જ થાય તે માટે કૃષિ ન્યાયાલયની રચના કરવા અને કિસાનોની વ્યાખ્યામાં કોર્પોરેટ કંપનીઓનો સમાવેશ નહીં કરવાના મુદ્દાઓ અંગે દેશભરમાંથી ઠરાવો મોકલી અભિયાન ચલાવાશે. તમામ સાંસદોની પણ મુલાકાત કરી આ બાબતે વિસ્તૃત ચર્ચા?કરાશે તેવું ભારતીય કિસાન સંઘે ઠરાવ્યું છે. કિસાન સંઘ ગુજરાત પ્રદેશે એક અખબારી યાદીમાં જણાવ્યું કે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા નવા કૃષિ વેપાર કરતા તેમાં જરૂરી સુધારા અનિવાર્ય હોઈ સંસદના આગામી સત્રમાં આને આખરી સ્વરૂપ અપાય તે પહેલાં દેશભરમાંથી ભા. કિ. સંઘ અને ગ્રામ સમિતિઓ દ્વારા મુદ્દાઓને આવરી લઈને સુધારામાં તેનો સમાવેશ કરવાની માગણી કરાશે. સંઘનું સ્પષ્ટ માનવું છે કે કોઈ પણ માર્કેટલક્ષી સુધારામાં જ્યાં સુધી ઓછામાં ઓછું ટેકાના ભાવથી જ ખરીદીની જોગવાઈ નહીં કરવામાં આવે ત્યાં સુધી કિસાનોનું રક્ષણ ભાવોની બાબતમાં શક્ય જ નથી. કારણ કે ટેકાના ભાવથી પણ સંપૂર્ણ માલ ખરીદવાની જોગવાઈ પણ થતી નથી. આમ કેન્દ્ર સરકાર દ્વારા થવા જઈ રહેલા સુધારા વટહુકમથી કિસાનોની સમસ્યા વધી ન જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આવા મુદ્દાઓને લઈને મોટી સંખ્યામાં ઠરાવો મોકલીને તમામ સંસદ સભ્યોને આ ઠરાવ સાથે મુલાકાત કરી સંસદમાં પહોંચાડવા અપીલ કરવામાં આવશે. ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના ગ્રામ સમિતિના પ્રમુખ-મંત્રી એમ મુખ્ય કાર્યકર્તાની મિટિંગનું નારાણપર મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશના પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રાએ ફોન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું. દો ગજની દૂરી રાખી અને ફરજિયાત માસ્ક પહેરવાનો આગ્રહ સાથે મિટિંગ યોજાઈ હતી. પ્રથમ કિસાનગીત નારાણપરના વિમળાબેન અને મંજુબેને રજૂ કર્યું હતું. ત્યારબાદ ભુજ તાલુકાના ગામોમાંથી આવેલા પ્રમુખ કાર્યકર્તાનું સ્વાગત પ્રવચન લાલજીભાઈ પિંડોરિયાએ કર્યું હતું. નારાણપરના સરપંચ મેઘજીભાઈએ ઉપસ્થિત રહી અને કોરોનામાં સાવચેત રહેવાની શીખ આપી હતી. સંચાલન સંઘના સંયોજક લક્ષ્મણ વરસાણીએ કર્યું હતું. આજદિન સુધી સિંચાઈ સુવિધાથી વંચિત ગામોના વિસ્તાર માટે તળાવો તેમજ ખેતી માટે નર્મદાનું પાણી વહેલી તકે મળે તેનું આયોજન કરવું. ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કર્યું હોઈ તેનું નીલા છેડાની નોંધ કરવી, ખેડૂતોએ 0.02 ગુંઠા કૂવા-ધોરિયા માટે માગણી કરેલી છે તેનો નિકાલ, જમીન માપણીમાં ખેડૂતોને આવવા જવાના રસ્તાનો રિસર્વે કરાવી તેને રેગ્યુલર કરવા વિગેરેની ચર્ચા કરાઈ હતી.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer