બેલામાં રહેણાક મકાનમાંથી 29 હજારનો દારૂ ઝડપાયો

ગાંધીધામ, તા. 10 : રાપર તાલુકાના બેલા ગામમાં એક મકાનમાંથી પોલીસે રૂા. 29,400નો શરાબ જપ્ત કર્યો હતો. જો કે, આરોપી હાથમાં આવ્યો ન હતો. બીજી બાજુ ગાંધીધામના સેક્ટર-6 વિસ્તારમાં રૂા. 8,400ના દારૂ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી હતી. રાપરના છેવાડાના એવા બેલા ગામમાં એલ.સી.બી.એ છાપો માર્યો હતો. આ ગામમાં રહેનારો અકબર ભીખુ સમેજા નામનો શખ્સ દારૂ?વેચતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે તેના મકાનમાં દરોડો પાડયો હતો. આ મકાનમાંથી 750 એમ.એલ.ની 60 બોટલ તથા બિયરના 84 ટીન એમ કુલ રૂા. 29,400નો અંગ્રેજી શરાબ હસ્તગત કરવામાં આવ્યો હતો, પરંતુ આ કાર્યવાહી દરમ્યાન આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. બીજી બાજુ ગાંધીધામના સેક્ટર-6માં આવેલા પ્લોટ નંબર 385ની ઓરડીમાં પોલીસ ત્રાટકી હતી. આ ઓરડીમાંથી હરેશ રતન મહેશ્વરી (લાલન)ની પોલીસે રૂા. 8,400ની 24 બોટલ શરાબ સાથે ધરપકડ કરી હતી. મહેશ્વરીનગરનો જીતુ ગાંગજી મહેશ્વરી નામનો શખ્સ તેને દારૂ વેચવા આપી ગયો હોવાનું ખુલ્યું હતું. આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer