વાગડમાં પોલીસને સતત દોડતી રાખતા રીઢા તસ્કરને અંતે એલ.સી.બી.એ દબોચ્યો

વાગડમાં પોલીસને સતત દોડતી રાખતા  રીઢા તસ્કરને અંતે એલ.સી.બી.એ દબોચ્યો
ગાંધીધામ, તા. 10 : વાગડ પંથકમાં પોલીસને હંફાવનાર અને ઘરફોડ ચોરીના પાંચ બનાવોને અંજામ આપનારા રીઢા શખ્સને અંતે એલ.સી.બી.એ દબોચી લીધો હતો. બીજી બાજુ અંજારમાં ગઇકાલે થયેલી લૂંટના બનાવમાં પોલીસે એક શખ્સને પકડી પાડયો હતો. વાગડ પંથકમાં જુદા જુદા ગામમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપી પોલીસને દોડતી કરી મૂકનાર અંતે ઝડપાયો હતો. હાલમાં પલાંસવા ગામમાં રહેનારો મૂળ હારીજ પાટણનો સુરેશ મોહન કોળી નામનો શખ્સ રાપર આવ્યો હોવાની બાતમીના આધારે એલ.સી.બી.એ તેને પકડી પાડયો હતો. આ શખ્સ અગાઉ અસંખ્ય ઘરફોડ ચોરીના બનાવોમાં આવી ગયો છે. તેની કડક રીતે પૂછપરછ કરાતાં તેણે પોતે રાપરમાં બે, આડેસરમાં બે અને સામખિયાળીમાં એક એમ કુલ્લ પાંચ ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ?આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે, આ શખ્સ દિવસ-રાત્રિ દરમ્યાન બંધ મકાનને નિશાને લઇ ઘરની દીવાલ કૂદી લોખંડના સળિયાથી તાળાં તોડી તેમાંથી હાથફેરો કરીને નાસી ગયો હતો. આ શખ્સે ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના અલગ-અલગ સોની વેપારીઓને તેણે વેચી દીધા હતા. હાલમાં તેને સામખિયાળી પોલીસના હવાલે કરાયો હતો. બીજી બાજુ અંજારની શાકમાર્કેટ પાસે ગઇકાલે ભરબપોરે એક યુવાન પાસેથી રૂા. 6200ની મતાની લૂંટ ચલાવાઇ હતી. આ બનાવમાં પોલીસે શબીર ઉર્ફે સબલો અબ્દુલસતાર ઉર્ફે કારો કકલ (મુસ્લિમ) નામના ઇસમની અટક કરી હતી. તેની પાસેથી બે મોબાઇલ, છરી, એ.ટી.એમ., અન્ય કાગળ, રોકડા રૂા. 800 તથા બાઇક નંબર જી.જે. 12-સી.જે. 4178 એમ કુલ્લ રૂા. 46,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય કોઇ બનાવને આ શખ્સે અંજામ આપ્યો છે કે કેમ તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer