ગાંધીધામમાં યુવાને જાત જલાવતાં ચકચાર

ગાંધીધામ, તા. 10 : આદિપુરના પાંજો ઘર ડી-સી-પાંચથી કિડાણા જવાના માર્ગ ઉપર રાજેશ ખીમજી અવાડિયા (આહીર) (ઉ.વ. 40) નામના યુવાને પોતાની જાત જલાવી અંતિમ પગલું ભરી લીધું હતું. બીજી બાજુ સામખિયાળીમાં બીજા માળેથી નીચે પટકાતાં ચંદ્રપ્રકાશ રંગીલાલ યાદવ (ઉ.વ. 40) નામના યુવાનનું મોત થયું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, મૂળ સંઘડના રાજેશ અવાડિયા નામના યુવાને આજે સવારે છેલ્લું પગલું ભરી લીધું હતું. આ યુવાન આજે સવારે તૈયાર થઇને પોતાના ઘરેથી રિક્ષા લઇને નીકળ્યો હતો. રિક્ષાચાલક એવો આ યુવાન આદિપુરના પાંજો ઘરથી કિડાણા બાજુ જતા કાચા માર્ગ ઉપર આવ્યો હતો. જ્યાં તેણે પોતાનું વાહન ઊભું રાખી પેટ્રોલ કે ડીઝલ પોતાના શરીરે છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી જનારા આ યુવાનને પ્રથમ રામબાગ અને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં સારવાર દરમ્યાન તેણે અંતિમશ્વાસ લીધા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવ પછવાડેનું કારણ શું છે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજીબાજુ સામખિયાળીના ક્રિષ્નાનગર વિસ્તારમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. ભચાઉમાં ગેરેજમાં કામ કરનારો ચંદ્રપ્રકાશ નામનો યુવાન પોતાના ઘરે છત ઉપર હતો તે દરમ્યાન ગત મોડી રાત્રે કોઇ કારણોસર તે બીજા માળેથી નીચે પટકાયો હતો. છેલ્લા એકાદ મહિનાથી અહીં એકલા રહેનારા આ યુવાનને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેનું મોત થયું હતું.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer