ફરિયાદ માટે આવેલા પરિવારે ગઢશીશા પોલીસ મથકને ઊંધા માથે લેતાં ફરિયાદ

ભુજ, તા. 10 : ગઈકાલે માંડવી તાલુકાના ગઢશીશા પોલીસ મથકે ભાડઈની સીમની જમીનમાં બનાવેલી ઓરડીના પતરાં તોડી-સામાન વેરવિખેર થયા બાબતની ફરિયાદ લઈને આવેલા પરિવારે પોલીસ મથકને ઊંધે માથે લેતાં પોલીસે પરિવાર વિરુદ્ધ ફરજમાં રુકાવટ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર ઘટના અંગે ગઢશીશાના પીઆઈ આર.ડી. ગોજિયાએ લખાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે આ કામના આરોપી કેશવજી મીઠુ ધોરિયા અને તેની પત્ની તથા પુત્ર ગઈકાલે ગઢશીશા પોલીસ મથકે તા. 8/8ના તેમની ભાડઈ સીમમાં બનાવેલી ઓરડીના પતરાં તોડી-તાળું તોડી સામાન વેરવિખેર બાબતે ગઢશીશા પોલીસ મથકે ફરિયાદ લખાવા આવ્યા હતા. આ અંગે બેસાડી પૂછપરછ કરતાં તેમજ બનાવ સ્થળ નિરીક્ષણની બાબતે કહેતાં આરોપીઓએ રાડારાડ કરી મૂકી હતી. આરોપીઓએ વધુમાં ઉમેર્યું હતું કે પોલીસ અમારી અરજીઓ ફાઈલ કેમ કરે છે તથા અમારા વિરુદ્ધ બે ખોટા ગુના દાખલ કર્યા છે અને ફરિયાદ લેતા નથી તેવા આરોપો સાથે ઉશ્કેરાઈ જઈને વધુમાં કહ્યું કે તેનો પરિવાર ઘરે જઈ કેરોસીન પી આપઘાત કરી પોલીસ સ્ટાફનું નામ લખાવશે તેવી ધમકી આપીને પોલીસ કમ્પાઉન્ડ બહાર નીકળી મોબાઈલથી શૂટિંગ કરવાની કોશિશ કરતાં પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરી ફરજમાં રુકાવટ કરતા ફરિયાદ નોંધાવા આવેલા પરિવાર વિરુદ્ધ પોલીસને કલમ 186 તથા 114 મુજબ ગુનો દાખલ કર્યો છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer