ઓગસ્ટના 9 દિવસમાં 233 પોઝિટિવ કેસ : 10 મોત

ભુજ, તા. 9 : જુલાઇમાં કોરોનાના વિક્રમી કેસ નોંધાયા બાદ આગેસ્ટના આરંભે આ મહામારીએ જે રીતનો ફૂંફાડો માર્યો છે તે જોતાં પોઝિટિવ કેસનો આંક આ મહિનામાં વિક્રમી આંકે પહોંચે તે પ્રકારની સ્થિતિનું સર્જન થઇ રહ્યું છે. વીતેલા માસના 9 દિવસની વાત કરીએ તો જિલ્લામાં અતિ તીવ્ર ગણી શકાય તેવી ગતિએ 233 કેસ નોંધાઇ ચૂક્યા છે, તો ટૂંકા ગાળામાં 10 લોકોનાં મોત થતાં સ્થિતિ થોડી ચિંતાજનક સ્તરે પહોંચી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઓગસ્ટમાં અનલોકનો ત્રીજો તબક્કો શરૂ થયો તે સાથે કોરોનાના કેસો જેટ ગતિએ ઊંચકાયા છે. પોઝિટિવ કેસના આંકને 500થી 600ના આંકે પહોંચવામાં માત્ર સાત દિવસ લાગ્યા હતા. પણ જે ગતિએ ઓગસ્ટમાં કેસ નોંધાઇ રહ્યા છે એ જોતાં 600થી 700 કેસના આંક સુધી પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા છે. આ મહિનાના પ્રથમ અઠવાડિયામાં સતત બે દિવસ વિક્રમી સંખ્યામાં કેસ નોંધાવવા સાથે બે દિવસને બાદ કરતાં બાકીના દિવસમાં 20 કે તેથી વધુ કેસ નોંધાયા છે. કેસમાં મોટા ઉછાળા સાથે આ સમયગાળામાં 10 દર્દીનાં મોત થતાં તંત્રના ચોપડે વધતો સત્તાવાર મૃત્યુઆંક હવે ચિંતા જગાવવાનું કાર્ય કરી રહ્યો છે. જેટલા પોઝિટિવ કેસ નોંધાયા લગભગ તેટલી જ સંખ્યામાં દર્દીઓ સાજા પણ થયા છે. તેને એક સારી બાબત ચોક્કસથી ગણી શકાય. આરોગ્ય વિભાગની સત્તાવાર યાદી અનુસાર 100થી વધુ દર્દીઓ સાજા થયા છે જે જૂન અને જુલાઇની સરખામણીએ વધુ હોતાં કોરોનાના વધતા સંક્રમણ સમયે આ એક મહત્ત્વની રાહતરૂપ ગણી શકાય તેવી બાબત પ્રકાશમાં આવી છે. હવે રેપિડ એન્ટિજન ટેસ્ટ સહિતના માધ્યમથી ટેસ્ટિંગનું પ્રમાણ વધારાતાં કેસોના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. દર્દીઓ સાજા થતાં હવે રિકવરી રેટ પણ વધી રહ્યો છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer