કચ્છમાં શ્રાવણે સચરાચર વરસ્યા મેઘ

કચ્છમાં શ્રાવણે સચરાચર વરસ્યા મેઘ
ભુજ, તા. 6 : બંગાળના અખાતમાં સર્જાયેલી સાયક્લોન સર્ક્યુલેશનના પગલે હવામાન ખાતાની આગાહી અનુસાર સૌરાષ્ટ્રને તરબતર કરી રહેલા મેઘરાજાએ ગઇકાલથી કચ્છમાં પ્રવેશ કર્યો છે. બુધવારની રાત્રે મુંદરા તાલુકા પર અનરાધાર હેત વરસાવતા મેઘરાજાએ રાતોરાત 65 મિ.મી. પાણી ઝીંક્યા બાદ એ સિલસિલો આજેય આગળ ધપાવતાં બંદરીય તાલુકામાં સર્વત્ર અંદાજે એકથી સાડા પાંચ ઇંચ, માંડવી તાલુકામાં વધુ ત્રણેક ઇંચ, અંજારમાં પર ત્રણ?ઇંચ પાણી વરસી પડયું હતું. મોસમમાં ફરી એકવખત જિલ્લામથક ભુજ અને સરહદી લખપતને બાકાત રાખીને સચરાચર વરસેલા મેઘરાજાએ શ્રાવણિયા પર્વોના આનંદમાં ઘેરબેઠા વધારો કરી દીધો છે. જિલ્લામાં સચરાચર હાજરી પુરાવી રહેલા મેઘરાજાએ જિલ્લામથક ભુજ અને સરહદી લખપતને હજુ પ્રમાણમાં તરસ્યા રાખ્યા છે  પણ આ પ્યાસ હજુ બે દિવસની ઊભેલી આગાહી દરમ્યાન બુઝાય તેવી આશા હમીરસર છલકાતું જોવાની ખેવના સાથે ભુજવાસીઓ રાખી રહ્યા છે. બુધવારે રાત્રે 11 વાગ્યે પવન સાથે અને ગાજવીજના સહારે આક્રમક સ્વરૂપ ધરીને વરસેલા વરસાદે જોતજોતામાં એક ઇંચ (30 મિ.મી.) પાણી વરસાવ્યું હતું અને પછી માયા સંકેલી લીધી હતી. દિનભર એ પડયો.... એ... પડયોવાળો તાલ હતો પણ મનમૂકીને મેઘરાજા વરસ્યા નહોતા અને ઝરમર ઝાપટાં ભાદરવાને પણ ભુલાવે એ રીતે વરસ્યા હતા. ખાવડાથી હીરાલાલ રાજદે અને સુમરાપોરથી મુસા સુમરાના હેવાલ અનુસાર તાલુકાના સરહદી પચ્છમ વિસ્તારમાં બુધવારે રાતથી તોફાની પવન સાથે વરસાદ વરસતાં ધરતીપુત્રો અને માલધારીઓમાં ખુશી વ્યાપી હતી. ભારે ગરમી અને જમીનના તાપ બફારાના કારણે કાળા ડુંગર અને સીમાડામાં ઘાસ મૂરઝાવા લાગતાં અને રામમોલ પણ આવી સખત ગરમીના કારણે સુકાવવાની શરૂઆત થઇ હતી તેવા જ સમયે કાળા ડુંગરની ગોદ અને પચ્છમ વિસ્તારની પટ્ટીમાં સારો વરસાદ પડયો છે જેથી ઊગી નીકળેલા ઘાસ તેમજ રામમોલને જીવતદાન મળ્યું છે. કાળા ડુંગરમાં નદી-નાળાઓ  પાલર પાણીથી વહી નીકળ્યાં હતાં. પચ્છમના ગામડાંઓમાં હજી તળાવોમાં જોઇએ તેટલી પાણીની આવક થઇ નથી જેથી આ ધીમીધારે વરસાદ વરસતાં પાણીની આવક ઓછી પણ ઘાસને બહુ ઉપયોગી સાબિત થશે એવું લોકો જણાવી રહ્યા છે. વરસાદની સાથે પરંપરાગત રીતે લાઇટ વેરણ બની હતી જેમાં જામકુનરિયામાં 24 કલાક વીતી ગયા છતાં પણ લાઇટનો પુરવઠો પુન: કાર્યરત કરાયો નથી એવું યુવા અગ્રણી અમીન શેરામામદ સમાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, જામકુનરિયા, તુગા, પંચાયત, જુણાપટ્ટી વગેરે ગામોમાં બોર દ્વારા પાણી પુરવઠા દ્વારા પાણી આપવામાં આવે છે અને બોરમાં પાણી પણ પુષ્કળ માત્રામાં ભંડાર છે છતાં વિદ્યુત પુરવઠાના કારણે આ પટ્ટીના ગામોની પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય છે જેથી પાણીના સ્રોત હોવા છતાં લાઇટ વેરણના કારણે પ્રજા તરસે છે. લાંબી રજૂઆતો બાદ પણ આ ગંભીર પ્રશ્નનો ઉકેલ આવતો નથી. વિદ્યુત બોર્ડના જુનિયર ઇન્જિનીયર શ્રી ગામિતનો સંપર્ક કરતાં થાંભલો પડી ગયો છે અને તાત્કાલિક માણસો મોકલાવી લાઇટ?વહેલી તકે કાર્યરત થઇ?જશે એવું જણાવ્યું હતું.- ખાવડામાં મોસમનો વરસાદ સાત ઇંચ : ખાવડામાં બે ઈંચ (45 મિ.મી.) પાણી પડયું છે. પૂર્વના ગામડાં રબવીરી, ધોરાવર, તુગા, કુનરિયા, જુણા વિ. ગામોમાં પણ બે ઇંચ જેટલા વરસાદના વાવડ છે. ઉત્તરના ગામડાં કુરનમાં માત્ર જમીન ભીંજવવા જેટલું અને ધ્રોબાણામાં રાત્રે અડધા ઇંચ ઉપરાંત આજે બપોરે પણ અડધા ઇંચ જેટલા વરસાદના સમાચાર ભોજા સાજણએ આપ્યા હતા. કાળા ડુંગર પરથી દત્ત મંદિરના મેનેજર રણજિતસિંહના જણાવ્યા અનુસાર ત્યાં પણ દોઢેક ઇંચ વરસાદ થયો છે.પાસી વિસ્તાર તરીકે જાણીતા ખારી, ગોડપરમાં ખીમાભાઇ?આહીર અને અગ્રણી મીઠુભાઇએ દોઢેક ઇંચ વરસાદના સમાચાર આપ્યા છે. નદી-નાળા વહી નીકળ્યા હતા. અંધૌથી અગ્રણી ઓસમાણ દીનાએ અંધૌ, દદ્ધર, સોયલા, દેઢિયા વિ. ગામોમાં બે ઇંચ જેટલા વરસાદથી નદી-નાળા વહ્યા હોવાની માહિતી આપી હતી. ખાવડામાં મોસમનો વરસાદ સાત ઇંચ (172 મિ.મી.)?થયો છે પણ મન મૂકીને વરસતો નથી. વચ્ચે અંતર રહેતા અને તડકો અતિશય હોવાથી પાકને મૂરઝાઇ જવાની શક્યતા રહે છે. જો કે, નેસ નવાણે સારા પાણી આવ્યાથી માલધારીઓને રાહત મળી છે. સંતોષજનક મેઘમહેર માટે હજુ તલસાટ દેખાય છે. ભુજ તાલુકાના ઝુરા ગામે મોડીરાત્રે 11થી 11.45 વાગ્યા દરમ્યાન વીજળીના કડાકા-ભડાકા તથા પવન સાથે પોણા કલાકમાં એકાદ ઇંચ જેવો વરસાદ પડી ગયો હોવાનું ગામના શિક્ષક અગ્રણી હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વીજળી ડૂલ થઇ ગઇ હતી. આ વરસાદથી ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે. બન્નીના ભીરંડિયારાથી અલી જુમા રાયશીંના જણાવ્યા મુજબ ગતરાત્રે 11.30 વાગ્યે બન્નીમાં દોઢ ઇંચ પાણી પડયું હતું. પરિણામે માલધારીઓમાં ખુશી છવાઇ છે. ભુજ તા.ના દહીંસરા, ધુણઇ, સરલી, મેઘપર, ગોડપર, ચુનડીમાં અડધા કલાકમાં દોઢ ઇંચ પાણી વરસ્યું હોવાનું દહીંસરાથી પ્રતિનિધિ નરેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું. કોટડા ચકારથી ફકીરમામદ ચાકીના હેવાલ મુજબ લેર, લકી ડુંગરો, રેહા, વડવા, હરૂડી, હાજાપર, કોટડા, ચકાર, જાંબુડી સહિતના ગામો ગત રાતથી આજ સવાર સુધી અઢીથી ત્રણ ઇંચ પાણી પામ્યા છે. તમામ નાળાં, ચેકડેમ અને ભૂખી નદી બે કાંઠે વહી રહી છે. મોટો-નાનો ધોરો રખાલ, ભેળ માતાજી, માનસિંહવાળી રખાલમાં આ વરસાદથી હરિયાળી વધુ છવાશે.- પવિત્ર સરોવર છલકવાને આરે : વાંઢાય તીર્થધામ વિસ્તારમાં આજે બે ઇંચ જેટલો મૂશળધાર વરસાદ વરસતાં વાંઢાયના પવિત્ર ઇશ્વરસાગર સરોવરમાં ભરચક પાણી આવ્યા છે અને સરોવર ઓગનવા માટે ફક્ત બે પગથિયાં બાકી રહ્યા હોવાનું જીતુ ભગતે જણાવ્યું હતું. વાલરામ તીર્થધામ મૂરચબાણ (તા. લખપત) વિસ્તારમાં તથા વિસ્તારના ગામ કોટડા (મઢ) આજુબાજુ દોઢ ઇંચ જેટલા વરસેલા વરસાદથી જળાશયોમાં સારા પ્રમાણમાં પાણી ભરાયાનું પ્રેમજીભાઇ ભાનુશાલીએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer