ગાંધીધામના ટાગોર રોડ ઉપર દબાણો સામે લાલઆંખ

ગાંધીધામના ટાગોર રોડ ઉપર દબાણો સામે લાલઆંખ
ગાંધીધામ, તા. 6 : શહેરના રિલાયન્સ સર્કલથી ઇફકો (ઉદયનગર)ના ગેટ સુધી ટાગોર માર્ગની બન્ને બાજુ સમાંતર દબાણોએ માઝા મૂકી છે. આવા દબાણોના કારણે દરરોજ અકસ્માત સર્જાય છે. હવે પાલિકા અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અહીં બાઉન્ડ્રી બનાવી વૃક્ષારોપણ કરવામાં આવશે.આ સંકુલ ટાગોર રોડની બન્ને બાજુ દબાણકારોએ માઝા મૂકી છે. આવાં દબાણો ઘટવાની જગ્યાએ વધતાં જ જાય છે. દરરોજ એક નવી કેબિન આ માર્ગ ઉપર ગોઠવાઇ જતી હોય છે. આવા દબાણોના કારણે ટાગોર રોડ ઉપર દરરોજ અકસ્માત સર્જાય છે. ટાગોર રોડની બન્ને બાજુ આવેલી જગ્યાને હરિયાળી બનાવવા નિર્ધાર કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગ અંજાર તથા વન વિભાગમાં આવતી આ જમીન ઉપર વૃક્ષારોપણ કરવા પાલિકામાં મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું.અહીં વૃક્ષારોપણ કરવા દબાણો હટાવવાં જરૂરી હોવાથી શહેરનાં રિલાયન્સ સર્કલથી પાલિકાએ આજે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આજે વરસતા વરસાદ વચ્ચે અમુક કેબિનો તોડી પાડવામાં આવી હતી. આ કામગીરી આવતીકાલે પણ ચાલુ રાખવામાં આવશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. અહીં દબાણો હટાવી લેવાયા બાદ સંકુલની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા બાઉન્ડ્રી બનાવવામાં આવશે અને બાદમાં તેમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ બાઉન્ડ્રી બની ગયા બાદ અને વૃક્ષારોપણ પછી બાઉન્ડ્રી તોડીને દબાણકારો તેમાં નહીં ઘૂસે તેની શું ખાતરી છે તેવું જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે ત્યારે આવું કૃત્ય કરનારા તત્ત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવી તેમને પોલીસ પાંજરે પુરાવી દેવા જોઇએ તેવું બુદ્ધિજીવી લોકો ઇચ્છી રહ્યા છે. પાલિકા અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આ કામગીરી હાથ ધરી છે તે સરાહનીય હોવાનું લોકો જણાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer