રવાપરના સદી પૂર્વેના શિવમંદિર અને બે હનુમાન મંદિરનું સમારકામ

રવાપરના સદી પૂર્વેના શિવમંદિર અને બે હનુમાન મંદિરનું સમારકામ
રવાપર, (તા. નખત્રાણા), તા. 6 : તાલુકાના રવાપર ખાતે અંદાજિત એક સદી પૂર્વેના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર તેમજ પાંચ દાયકા પૂર્વે ઉગમણા અને મુખ્ય બજારવાળા હનુમાન મંદિર સહિત મહાકાલી માતાજીના મળી ચાર મંદિરોનું છેલ્લા ત્રણ માસથી તમામ સમાજના પ્રતિનિધિ હેઠળના શિવશક્તિ ટ્રસ્ટના નેજા હેઠળ અંદાજિત દસ લાખ ઉપરાંતના ખર્ચે નવીનીકરણ કાર્યનો પ્રારંભ કરાયો હતો. ટ્રસ્ટ પ્રમુખ અશ્વિનભાઈ રૂપારેલ તેમજ ઉપપ્રમુખ નરશીભાઈ વાસાણી, મંત્રી મોહનભાઈ રંગાણી,  ખજાનચી ઝવેરભાઈ શાહ, સહખજાનચી રતનશીભાઈ ચંદન,  સહમંત્રી વિનોદભાઈ સોની, ટ્રસ્ટી વેલુભા ગોહિલ,  વિનોદભાઈ નાકરાણી,  કાંતિલાલ દરજી, હરિલાલ લુહાર, ગોપાલભાઈ જોશી, પ્રફુલ્લ ગોસ્વામી, જગુભાઈ રબારી, નવીનદાન ગઢવી, રતિલાલ વાળંદ, અશ્વિનભાઈ સોની,તારાચંદભાઈ શાહના નેજા હઠળ ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી. ગામના મુખ્ય સાર્વજનિક મંદિરની મરંમત અને નવા રંગરોગાન સહિત સુવિધાની જરૂરત હોતાં તેનો નિર્ણય લેવાયો હતો. આ અંગે શ્રી રૂપારેલના જણાવ્યા અનુસાર શાત્રી ગિરીશભાઈ જોશી, શાત્રી વિશાલકૃષ્ણ ટી. જોશી સહિતના માર્ગદર્શનમાં કામ કરાયાં હતાં. ઉગમણા અને મુખ્ય બજાર હનુમાનજી મંદિરની છતને લાંબો સમય થતાં શિખર સાથે નવું કરવા અને મહાકાલી મંદિરને મુખ્ય ગેટથી ફલોરિંગ સહિત મંદિરનું નવીનીકરણ શરૂ કરાયું છે. આ કાર્યમાં પાંચ લાખ જેવી રકમનું સ્થાનિક તેમજ બહાર  વસતા લોકો દ્વારા દાન જાહેર કરાયું છે. હજી એક માસ ઉપરાંત ચાલનારું આ કામ પૂર્ણ થયે લોકડાઉનની સ્થિતિ નહીં હોય તો સરકારના નિયમો હેઠળ પુન: પ્રાણપ્રતિષ્ઠા તેમજ સમસ્ત ગ્રામજનોને સાથે રાખી યજ્ઞ કરાશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer