નખત્રાણા ખાતે આધ્યાત્મિક પુસ્તક યોગવશિષ્ઠ મહારામાયણનું વિમોચન

નખત્રાણા ખાતે આધ્યાત્મિક પુસ્તક યોગવશિષ્ઠ મહારામાયણનું વિમોચન
નખત્રાણા, તા. 6 : અષાઢી બીજ, કચ્છી નવા વર્ષે અહીંના દરિયાસ્થાન ખાતે અહીંના ધારાશાત્રી દિલીપભાઈ ઠક્કરના બીજા આધ્યાત્મિક પુસ્તક યોગવશિષ્ઠ મહારામાયણનું સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિમોચન કરાયું હતું. આ પુસ્તક અંગે માહિતી આપતાં શ્રી ઠક્કરે જણાવ્યું હતું કે, એક વર્ષ જેટલા સમયગાળામાં તૈયાર થયેલા આ પુસ્તક જેમાં રામ અને વશિષ્ઠ વચ્ચેનો પરમાર્થિક સંવાદ આનંદ આપે છે, સાથે નવી પેઢીને જાણવા રઘુવંશગાથા પણ ઉપયોગી થાય તેમ છે. લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ પલણે આ પુસ્તકને વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ જણાવી લેખનકાર્ય આવકાર્યું હતું અને ભવિષ્યમાં સાથ સહકારની ખાતરી આપી હતી. પુસ્તકના સર્જનમાં ભુજના નવીનભાઈ આઈયા અને વિથોણના મૂળશંકરભાઈ નાયાણી તરફથી સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પુસ્તકના સર્જન બદલ અંગિયા આશ્રમના જયામા તથા નખત્રાણાના કથાકાર ધીરુ મારાજે પુસ્તકનું સર્જન ઉત્તમ ગણાવ્યું હતું. સામાજિક અગ્રણીઓ તરફથી દિલીપભાઈ ઠક્કરનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. કનુભાઈ કોઠારી, અનિલ જોબનપુત્રા, પ્રાગજીભાઈ અનમ, નિતેશભાઈ સોની, પત્રકાર અશ્વિન જેઠી વિ. હાજર રહ્યા હતા. સંચાલન સમાજના મહામંત્રી નીતિનભાઈ ઠક્કર અને આભારદર્શન રમેશભાઈ જોષીએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer