કચ્છની કોવિડ હોસ્પિટલોમાં તપાસનો ધમધમાટ

ભુજ, તા. 6 : અમદાવાદમાં કોવિડના દર્દીઓની સારવાર કરતી શ્રેય હોસ્પિટલમાં આગજનીના પગલે કોરોનાગ્રસ્ત દર્દીઓનાં કરુણ મોતને પગલે રાજ્યના આરોગ્ય કમિશનરે તમામ કોવિડ હોસ્પિટલોમાં અગ્નિશમન સાધનોની ઉપલબ્ધિ અંગે તપાસ કરી ખૂટતા હોય તો પૂર્તતા કરવા આવેલી સૂચનાને પગલે કચ્છની પાંચ કોવિડ હોસ્પિટલોમાં પણ સેફ્ટી ઓડિટ કરવાનો સંબંધિત તંત્રોને જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ આપતાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.ડી.ડી.ઓ. પ્રભવ જોશીએ જણાવ્યું કે, કચ્છની કોવિડ હોસ્પિટલોમાં અગ્નિશમન સુવિધાની ઉપલબ્ધતા ચકાસણી માટે ડિઝાસ્ટર મામલતદાર, ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર સહિતના તંત્રોને ચકાસણી કરવાની જવાબદારી સોંપાઇ છે.તંત્રની આ વિવિધ શાખાના અધિકારીઓની ટીમ દ્વારા સ્થાનિકે મુલાકાત લઇ?આગ લાગે તો તેના શમન માટેના સાધનો, આ સાધનોની ક્ષમતા, તેના સંચાલન માટે તાલીમબદ્ધ સ્ટાફ અને તેની હાજરી, દર્દીઓ અને હોસ્પિટલ સ્ટાફની સલામતી માટે આપતકાલીન દ્વાર સહિતની આંતરિક બાબતોની વાસ્તવિક સ્થિતિનો રિપોર્ટ કરવા તેમજ હોસ્પિટલની જરૂરિયાત મુજબ સાધનો અપૂરતા હોય તો કયા પ્રકારની ઘટ છે તે અંગે વિગતો આપવાની કાર્યવાહી આદરાઇ છે જેનો રિપોર્ટ આવ્યેથી ખૂટતી સાધનિક સામગ્રીની પૂર્તતા કરાશે તેવું ડીડીઓએ ઉમેર્યું હતું. કચ્છમાં નોવેલ કોરોના-19ની સારવાર માટેની મુખ્ય હોસ્પિટલ જી.કે. જનરલમાં તો પહેલેથી જ વ્યવસ્થા છે. તે ઉપરાંત આદિપુરની હરિઓમ હોસ્પિટલ, અંજારનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર, મુંદરાની એલાયન્સ હોસ્પિટલ અને ભુજની ભાગોળે ગડા પાસેના વાયબલ કેર સેન્ટરમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer