રિકવરી રેટમાં કચ્છ હજુય દેશ-રાજ્યથી પાછળ

ભુજ, તા. 6 : જિલ્લામાં અનલોકનો બીજો તબક્કો એટલે કે જુલાઇ?માસથી કોરોનાએ રીતસરનો ફૂંફાડો મારવાનું શરૂ કર્યું છે. પોઝિટિવ કેસના વધતા આંક વચ્ચે એક મહત્ત્વનું તારણ સામે આવી રહ્યું છે કે પોઝિટિવ કેસના આંકમાં વધારો થવા સાથે ફરી એકવાર રિકવરી રેટ પણ ધીમા ડગલે ઊંચકાઇ રહ્યો છે.આરોગ્ય વિભાગમાંથી મળેલી સત્તાવાર આંકડાકીય વિગતો અનુસાર છેલ્લા એકાદ પખવાડિયાથી કચ્છમાં જેટલા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે લગભગ તેટલી જ સંખ્યામાં દર્દીઓ સાજા થતા હોવાના લીધે રિકવરી રેટ?ક્રમશ: વધતો જતો જોવા મળી રહ્યો છે.પખવાડિયા પૂર્વેની વાત કરીએ તો જિલ્લાનો કોરોના રિકવરી રેટ 60 ટકાથી નીચે ઊતરી ગયો હતો, પણ છેલ્લા આંક અનુસાર હવે કોરોના રિકવરી રેટ 66.03 ટકાએ પહોંચ્યો છે. અન્ય એક મહત્ત્વની બાબત એ છે કે દેશ અને રાજ્ય કરતાં કોરોના રિકવરી રેટ ઓછો હોવાનું પણ સપાટી પર આવી રહ્યું છે. સમગ્ર દેશનો કોરોના રિકવરી રેટ?67.50 ટકા છે જ્યારે ગુજરાતનો રિકવરી રેટ 73.99 ટકા છે. એટલે કે ગુજરાત કરતાં કચ્છનો કોરોના રિકવરી રેટ 7.96 ટકા ઓછો છે, તો દેશ કરતાં જિલ્લાનો રિકવરી રેટ 1.37 ટકા જેટલો ઓછો છે. વિતેલા પખવાડિયાની વાત કરીએ તો આ સમયગાળા દરમ્યાન કોરોના રિકવરી રેટ 7 ટકા વધ્યો છે. નોંધનીય એ પણ છે કે, જુલાઇ માસમાં કોરોના કેસનો રાફડો ફાટતાં રિકવરી રેટમાં 14 ટકાનું મોટું ગાબડું પડયું હતું, પણ પોઝિટિવ કેસનો આંક વધવા સાથે રિકવરી રેટ પણ રિકવર થતો જોવા મળી રહ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer