સાંધાણમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચનારો ઇસમ ઝડપાયો

કોઠારા (તા. અબડાસા), તા. 6 (પ્રતિનિધિ દ્વારા) : તાલુકાના સાંધાણ ગામે પ્રૌઢ વયના મહિલા ડાઇબેન વીરજી ગજરા (ભાનુશાલી)ના ગળામાંથી રૂા. 33,700ની કિંમતની સોનાની ચેઇનની ચીલઝડપનો બનાવ આજે સવારે બન્યો હતો. ભોગ બનનારે રાડારાડી કરતાં આસપાસમાં રહેતા લોકોએ ગામના જ આરોપી સિધિક જુશબ સુમરાને પકડી પાડયા બાદ આ ઇસમને પોલીસના હવાલે કરાયો હતો.બહાર આવેલી વિગતો અનુસાર આજે સવારે ભોગ બનનારા ડાઇબેન તેમના વાડામાં કામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં આવી ચડેલા આરોપીએ ઝપટ મારીને તેમના ગળામાંથી રૂા. 33,700ની કિંમતની સોનાની ચેઇન ખેંચી લીધી હતી. ભોગ બનનારે રાડારાડી કરતાં આસપાસમાં રહેતા લોકોએ ચેઇન સાથે ભાગી રહેલા આરોપી સિધિક સુમરાને ઝડપી પાડયો હતો. ઘટના વિશે પોલીસને જાણ કરાતાં કોઠારા પોલીસે સ્થાનિકે ધસી જઇને આરોપીનો કબ્જો લઇ તેની વિધિવત ધરપકડ કરી હતી. આવતીકાલે તહોમતદારને રિમાન્ડની માગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરાશે. કોઠારા ફોજદાર એચ.એચ. જાડેજાએ કેસની તપાસ હાથ ધરી છે.નાનકડા ગામમાં ચીલઝડપનો કિસ્સો બનતાં ગ્રામજનો ચિંતિત બન્યા છે. આરોપીએ અગાઉ આવા કોઇ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તેની કડીઓ મેળવવા પોલીસે પૂછતાછનો દોર અવિરત રાખ્યો છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer