ભોજરડોમાં ગેરકાયદે થતી ખેતી સામે ગ્રામજનોએ કર્યો વિરોધ

ભોજરડો (તા. ભુજ), તા. 6 : બન્ની વિસ્તારના ભોજરડો ગામમાં નોન ફોરેસ્ટ એક્ટિવિટી રોકવા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશના થઈ રહેલા ઉલ્લંઘન સામે તાત્કાલિક પગલાં ભરવા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.બન્ની વિસ્તારના ભોજરડો ગામમાં ગામના જ માથાભારે લોકો દ્વારા ગેરકાયદેસર ખેતી અને દબાણના સ્વરૂપે થઈ રહેલી નોન ફોરેસ્ટ એક્ટિવિટી રોકવા અને બન્ની રક્ષિત જંગલમાં કોઈ પણ નોન ફોરેસ્ટ એક્ટિવિટી પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે, પરંતુ કચ્છ બન્નીમાં ભોજરડો પંચાયતના ગામમાં સ્થાનિક લોકો દ્વારા ટ્રેકટર જેવા સાધનોથી ખેડ અને ઊંડી ખાઈ કરીને વાવણી કરીને ખુલ્લેઆમ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનો ભંગ કરવામાં આવી રહ્યો છે તેવું ગ્રામ પંચાયતના સભ્ય મીરમામદ હાજી અને ગ્રામજનોએ પત્રમાં જણાવ્યું હતું. પરિસ્થિતિને ધ્યાને રાખીને બન્ની વિસ્તારની ભોજરડો પંચાયતના ગામમાં તાત્કાલિક તપાસ કરી તે ગામોમાં થઈ રહેલી નોન ફોરેસ્ટ એક્ટિવિટી અટકાવીને ગ્રીન ટ્રિબ્યુનલના આદેશનો અમલ થવા જરૂરી તમામ કાર્યવાહી હાથ ધરવા માગણી કરાઈ હતી. જો આ ગામમાં ગ્રીન ટ્રિબ્યુનલના આદેશના ભંગ સમાન કામગીરી દૂર કરવામાં નહીં આવે તો બીજા ગામો પણ આજ રીતે દબાણો કરી ખેતી કરશે અને જેનાથી બન્નીના પશુઓ, જંગલી પશુ-પક્ષીઓને મોટા પાયા પર નુકસાન થવાની સંભાવના રહેલી છે. તાત્કાલિક પગલાં લેવા અનુરોધ ગ્રામજનોએ પત્રમાં કર્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer