જરૂરિયાતમંદ વ્યક્તિઓને આર્થિક મદદ કરવાનો અનોખો કર્મ

આડેસર, તા. 6 : ભીમાસર ભુ.ના અનુ.જાતિના શિક્ષક દ્વારા કોરોનાકાળમાં ખડીરના જરૂરતમંદ લોકોને 51000ની રોકડ સહાય અને ભુટકિયા આંબેડકર સમાજવાડીના મેઇન ગેટ માટે 125000ની રોકડ સહાય આપવામાં આવી હતી. રાપર તાલુકાના ભીમાસર (ભુ.) ગામના પ્રાથમિક શાળાના શિક્ષક અને હાલે ખડીર વિસ્તારમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અખાભાઇ રૂડાભાઇ ગોહિલ પાસે કોઇપણ વ્યક્તિ તેમની પાસે આર્થિક મદદની આશાએ જાય તો યથાશક્તિ મદદ કરે જ છે અને એમાય દવાખાનાનાં કામ માટે તો રાપરમાં અમુક વ્યાપારીઓથી સંપર્ક કરતાં મારું નામ લઇને કોઇપણ આવે તેમને દવાખાના માટે પૈસા જોઇતા હોય તો મને ફોન કરીને આપવા. અત્યાર સુધી અનેક લોકોને આર્થિક મદદ કરી ચૂકેલા આ શિક્ષક કોરોનાની મહામારીમાં ખડીર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને જરૂરિયાતવાળા લોકોને રોકડ સહાય કરી છે. આ સિવાય રાપર તાલુકામાં જ ભુટકિયા પાટિયે બની રહેલા આંબેડકર સમાજવાડીના મુખ્ય ગેટના દાતા પણ બન્યા છે. આ ગેટ માટે લગભગ સવા લાખની રકમ ખર્ચાઈ છે. તમામ ખર્ચ પણ આ શિક્ષકે આપ્યો છે. માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સદ્ભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં પણ અખાભાઇ વાર્ષિક રોકડનું યોગદાન છેલ્લા દશ વર્ષથી આપે છે. સાદગીમાં રહેતી આ વ્યક્તિએ સેવાભાવનો ક્રમ અવિરત જાળવી રાખ્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer