લોકડાઉન-અનલોક વચ્ચે સાત હજાર દર્દીને જનરલમાં તાકીદની સારવાર

ભુજ, તા. 6 :અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલને કોરોનાકાળમાં કોવિડ-19 હોસ્પિટલ તરીકે ઘોષિત કરવામાં આવી ત્યારબાદ પણ આકસ્મિક કિસ્સાઓમાં દર્દીઓને સારવાર તાકીદના ધોરણે પ્રાપ્ત થાય એ હેતુસર ઈમરજન્સી વિભાગને વધુ ક્રિયાશીલ બનાવી દેવામાં આવ્યો છે અને છેલ્લા પાંચ મહિનામાં 7000 જેટલા દર્દીઓને અણીના પ્રસંગે ઈમરજન્સી સેવા પ્રાપ્ત થઇ છે. જી.કે.જનરલ હોસ્પિટલમાં પાંચ માસમાં મોટો સમયગાળો લોકડાઉન હોવા છતાં 249 જેટલા કેસો માર્ગ અકસ્માતના નોંધાયા હતા, જેમાં એકલા માર્ચ મહિનામાં 78 જેટલા કેસ થયા હતા. જોકે આ કેસો નાના મોટા અસ્થિભંગના હતા. આ ઉપરાંત આ ઉનાળાના વાતાવરણમાં સર્પદંશના કિસ્સાઓમાં પણ વધારો થાય છે એ મુજબ લોકડાઉન અને અનલોક કાર્યકાળમાં 64 જેટલા કેસ માત્ર સર્પદંશના નોંધાયા હતા અને સારવાર આપવામાં આવી હતી. એ જ પ્રકારે સર્પદંશ સિવાય ઝેરી જંતુ કરડી જવાના 3 કેસ ઈમરજન્સીમાં સારવાર લેવા આવ્યા હતા. ઈમરજન્સી સારવાર ખાસ કરીને ઝેરી દવા પી જવા જેવા તબક્કે અત્યંત ઝડપી અને સચોટ સારવારની જરૂર પડતી હોવાથી આ સેવાને વધુ સઘન બનાવવામાં આવી છે. આ સમયગાળામાં 143 જેટલા કેસોને સારવાર આ હોસ્પિટલમાં આવી હતી. મારામારીના કેસો પણ અવારનવાર બનતા હોવાથી આ સમયગાળામાં 329 જેટલા આવા કેસો સામે આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી.આ ઉપરાંત રસ્તે ચાલતાં પડી-આખડી જવાના કેસમાં 78 દર્દીઓએ અત્રે સારવાર લીધી હતી એમ ઈમરજન્સી વિભાગના ઈન્ચાર્જ ડો. હિમ્મત કતીરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહયું કે, આ ઈમરજન્સીમાં હૃદયરોગ અને માથામાં ઈજા થવાના કેસો જણાયા હતા. હોસ્પિટલમાં કોરોનાને સમાંતર ફ્લુ ઓપીડી 24 કલાક કાર્યરત છે, જેમાં દર્દીઓને વિવિધ ડોક્ટરો સારવાર આપી રહ્યા છે. બીજા માળે આઈસોલેશન વોર્ડની સાથે આ ઓપીડી કાર્યાન્વિત કરવામાં આવી છે. આ ઓપીડીમાં ડો. કલ્પેશ પટેલ, ડો. કતીરા, ડો. પૂજા પટેલ, ડો. પાર્થ પટેલ તેમજ અન્ય રેસીડેન્ટ ડોક્ટર સમયાંતરે ફરજ બજાવે છે તેવું યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer