અયોધ્યામાં ફૂલોને ડિજિટલ શણગાર કરતો કચ્છી યુવાન

અયોધ્યામાં ફૂલોને ડિજિટલ શણગાર કરતો કચ્છી યુવાન
કનૈયાલાલ જોશી તરફથી-  મુંબઈ, તા. 2 : અયોધ્યામાં પાંચમી તારીખે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ જન્મભૂમિ સ્થાને રામમંદિરનું ભૂમિપૂજન કરવાના છે ત્યારે મંદિરનાં મુખ્ય સ્થાન અને મૂર્તિસ્થાનને ડિજિટલ પ્રિન્ટેડ કમળનાં ફૂલોથી સજાવવામાં આવશે. આ અણમોલ કાર્ય મૂળ કચ્છના યુવાન ભાનુશાલી અશોક વેલજી મંગે (ઐડા) કરવાના છે. ભાનુશાલી અશોક મંગે હાલના મંદિરમાં સાચાં ફૂલોનો શણગાર કરે છે. એ દરેક ફૂલ પર રામલલા, જય શ્રીરામ લખે છે, જે ડિજિટલ રાઈટિંગ છે. જે ટેક્નોલોજી તેમણે પોતે વિકસાવી છે. તેમની આ કળાથી રામભક્ત ખૂબ આકર્ષાયા છે. સાચાં ફૂલો પર લખાણ કઈ રીતે થાય ? એ સવાલથી આશ્ચર્ય વ્યક્ત કરે છે. અયોધ્યામાં અશોકભાઈનું નામ ખૂબ જાણીતું થઈ ગયું છે. અશોકભાઈ મંગેએ એક મુલાકાતમાં જણાવ્યું કે, હું ફૂલ પર ડિજિટલ પ્રિન્ટ કરું છું. આ આર્ટ મારી પોતાની વિકસાવેલી છે. ખરેખર તો મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેઈક ઈન ઈન્ડિયા પહેલથી પ્રેરણા મળી અને નવી આર્ટ વિકસાવી. આ આર્ટમાં હાલમાં તો આખા વિશ્વમાં હું એકલો છું. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી ચંપતરાય, રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રા, કલેક્ટર અનુજ ઝાનો મને સહયોગ મળ્યો તેથી અહીં સુધી પહોંચ્યો છું. વિમલેન્દ્ર મિશ્રા અયોધ્યાના રાજવી પરિવારના છે. 1992માં રામમંદિરમાં રામલલા, સીતાજી,લક્ષ્મણ સહિતની મૂર્તિ સ્થાપિત થઈ છે, જે એમના નિવાસેથી આવી છે.પાંચમીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે, એ પ્રસંગે પણ હું મુખ્ય સ્થાન અને મૂર્તિ સ્થાને ડિજિટલ પ્રિન્ટ કરેલાં ફૂલોથી મંદિરના શણગાર કરવાનો છું. ગુજરાતમાં સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં અર્ધા કિલોમીટરમાં ફ્લાવર ઓફ વેલી છે ત્યાં પણ ફૂલોની કળા પ્રદર્શિત કરવાની મારી ઈચ્છા છે. મારો મુંબઈમાં ફૂલોનો બિઝનેસ છે, જે રોકિંગ રોઝ નામથી ચાલે છે. ચાર વર્ષથી મહેનત કરું છું. એક વર્ષથી ફૂલ પર ડિજિટલ પ્રિન્ટ કરું છું. કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને `ધ બિગ આઈડિયા ભાનુક્રાંતિ'નો મને ખૂબ સહયોગ મળે છે. મેં સપનામાં નહોતું વિચાર્યું કે રામ જન્મભૂમિ મંદિરમાં પ્રિન્ટેડ ફૂલોથી શણગાર કરીશ. સમાજે મને બળ આપ્યું. ભગવાન રામજીના મને આશિષ મળ્યા. અમારા ગુરુદેવ ઓધવરામજી  મહારાજે મારામાં હિંમતનો સંચાર કર્યો, નહીંતર હું આટલો મહાકાર્યમાં ભાગીદાર બની શકયો ન હોત. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer