રાપર સુધરાઇ અધ્યક્ષા સહિત 17 કોરોના સંક્રમિત : એક વધુ મોત

રાપર સુધરાઇ અધ્યક્ષા સહિત 17 કોરોના સંક્રમિત : એક વધુ મોત
ભુજ, તા. 2 : કોરોનાનો સકંજો જિલ્લામાં યથાવત રહ્યો હોય તેમ આજે રાપર નગરપાલિકાના મહિલા પ્રમુખ અને અંજારના એક તબીબ સહિત 17 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાપર નગરપાલિકાના પ્રમુખના પોઝિટિવ કેસની વિગતો હજુ તંત્ર દ્વારા સત્તાવાર રીતે જારી કરાઇ નથી, તો આજે વધુ એક દર્દીનો ભોગ કોરોનાએ લીધો છે. સૌથી વધુ 5ાંચ કેસ ગાંધીધામ અને અંજાર-ભુજમાં 3-3 કેસ નોંધાયા છે. અંજાર તાલુકાના દબડામાં રહેતા 70 વર્ષીય કાંતાબેન ભીખાભાઇ સુથારનું આજે 6.35 વાગ્યે ભુજ જનરલમાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. કાંતાબેન 24મીના રાત્રે દાખલ થયા ત્યારથી ઓક્સિજન / વેન્ટિલેટર / બાયપેપ સપોર્ટ પર સારવાર હેઠળ હતા. ડાયાબિટીઝ બી.પી.ની બીમારીથી પીડાતા સદ્ગતનું કાર્ડિયાક એરેસ્ટથી મોત નીપજ્યાનું આરોગ્ય વિભાગ દ્વારા સત્તાવાર યાદીમાં જાહેર કરાયું છે. અમદાવાદ ખાતે સિમ્સ હોસ્પિટલમાં છેલ્લા ચારેક દિવસથી સારવાર લઇ રહેલા રાપર નગરપાલિકાના પ્રમુખ ગંગાબેન રમેશભાઇ શિયારિયાનો આજે અમદાવાદ ખાતે કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નગરપાલિકા પ્રમુખના પતિ, રમેશભાઇ શિયારિયાએ રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. પૌલને જાણ કરતાં તેમણે તેમના રહેઠાણની આસપાસના વિસ્તારને સીલ કરવા માટે જાણ કરી હતી અને તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનોને અને આજુબાજુના ઘરોના લોકોને કવોરેન્ટાઇન કરવા માટે તજવીજ હાથ ધરી છે. નગરપાલિકા પ્રમુખ ગંગાબેન શિયારિયા છેલ્લા 20થી વધુ દિવસોથી નગરપાલિકા કચેરીમાં ગયા નથી, તો છેલ્લા ચારેક દિવસથી તેઓ અમદાવાદ ખાતે સિમ્સ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. આ બાબતે રાપર તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પોલનો સંપર્ક સાધતાં તેમણે કેસ અંગે મૌખિક જાણ થઈ છે. લેખિત રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી. અગાઉ ગંગાબેનનો એકવાર રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ બીજીવાર કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવી ક્લોઝ કોન્ટેક્ટમાં આવનારાઓને ક્વોરેન્ટાઈન કરવાની કામગીરી કરવામાં આવશે. ગાંધીધામમાં આજે નોંધાયેલા 5ાંચ કેસમાં જૂની સુંદરપુરીમાં રહેતા કલ્યાણભાઈ પરમાર, સેક્ટર-5માં રહેતા આરતી સતીશ દુબે, આદિપુર વોર્ડ-2 એમાં રહતા દંતરોગ તબીબ ડો. પ્રશાંત કલ્યાણી, ઈફકો કોલોનીમાં રહેતા અધિકારી કમલેશ બિપિનચંદ્ર શાહ અને બીપીસીએલ કોલોનીમાં રહેતા હરીશ તલરેજા સંક્રમિત થયા છે. 1 દર્દીની ટ્રાવેલ્સ હિસ્ટ્રી લખનૌની છે અને એકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. ત્રણ દર્દીઓએ ખાનગી લેબમાં પરીક્ષણ કરાવ્યું છે. જિલ્લા મથક ભુજમાં આજે આર્મી જવાન સહિત ત્રણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પંજાબના વતની એવા આર્મી જવાન જશપાલસિંઘ ઉપરાંત રામનગરીમાં રહેતા પ્રતાપ મણિલાલ સથવારા અને સુમરાડેલી સોનીવાડમાં રહેતા શકુંતલા ભગવાનદાસ રામનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અંજાર શહેરમાં આજે નોંધાયેલા 3 કેસમાં ગાયત્રી ચાર રસ્તામાં રહેતા અજય દેવશી વાડા, કામધેનુ સોસાયટીમાં રહેતા તબીબ અમિત મનસુખલાલ પટેલ અને ભોપા વાડી વિસ્તારમાં રહેતા અજીબેન દેવજી હડિયા સંક્રમિત થયા છે. અબડાસાના નલિયામાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. અન્ય પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવવાથી વૃત્તિકા કોટક અને અશોકભાઈ કોટક સંક્રમિત થયા હોવાનું જણાવાયું છે. માંડવી શહેર વિસ્તારમાં અગાઉ 3 પોઝિટિવ આવ્યા બાદ આજે એક પોઝિટિવ કેસનો ઉમેરો થતાં કુલ્લ આંક 4 પર પહોંચ્યો છે.આરોગ્ય અધિકારી ડો. કે. પી. પાસવાનની સૂચના મુજબ તલવાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર અશ્વિનભાઇ ગઢવી, આર.બી.એસ.કે. ડો. ધીરજભાઇ ડુંગરખિયા માંડવીની આંબલીવાળી શેરીમાં નવાપરામાં રહેતા કલ્પેશ ત્રિવેદીને આઇસોલેટ કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બનાવની જાણ?થતાં નગરસેવા સદનના પ્રમુખ મેહુલભાઇ શાહ, ઓ.એસ. કાનજીભાઇ શિરોખા તેમજ સેનિટેશનની ટીમ તાત્કાલિક ઉપરોક્ત સ્થળે પહોંચી આવી આખાય વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો. આ દર્દી મુંદરાની કંપનીમાં સર્વિસ કરતો હોઇ કઇ રીતે પોઝિટિવ આવ્યો છે તે અંગે આરોગ્ય ખાતાની ટીમ તપાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ આઠ-દસ દિવસ અગાઉ માંડવીની ખાનગી હોસ્પિ. ધકાણ સર્જિકલ હોસ્પિટલમાં સારવાર માટે ઉપરોક્ત પેશન્ટ ગયેલો ત્યારે ફરજ પરના ડોક્ટરે કોરોના ટેસ્ટ કરાવવાની સૂચના આપી હતી પરંતુ પોતે સ્વસ્થ હોવાનું જણાતાં તેઓએ રિપોર્ટ ન કરાવેલો. બાદ ફરી તકલીફ થતાં રિપોર્ટ કરાવ્યો હતો. ભચાઉ નગરમાં છેલ્લા પંદર દિવસથી સમયાંતરે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી રહી છે. આજે ફૂલવાડી વિસ્તારમાં ભચાઉ મરચન્ટ એસોસિયેશનના પ્રમુખ હર્ષદ ઠક્કરના ભાઇને કોરોના પોઝિટિવ આવતાં પરેશ નટવરલાલ ઠક્કરને ગાંધીધામ હરિઓમ કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. સમાંતર ત્રણ દિવસથી ઘરે આઈસોલેશન કરાયેલા જલારામા સોસાયટીના ઉમેશ ગજેન્દ્ર મહેતા (ઉ.વ. 52)વાળાને પણ તાવ ઉતરતો ન હોવાથી ગાંધીધામ હરિઓમ હોસ્પિટલમાં બપોરે ખસેડાયા હતા. ભચાઉના એક્ટિવ પૈકી ત્રણ દર્દી નેગેટિવ આવતાં પરત ઘરે આવી ગયા છે. જેમાં આજે બે નવા મૂકવામાં આવતાં કુલ આઠ પૈકી હવે છ એક્ટિવ દર્દી સારવાર લઈ રહ્યા છે. અત્રે નોંધીએ તો નગરમાં વેપારી-સમૃદ્ધ અને ભદ્ર વર્ગના રહેણાક વિસ્તારોમાં વર્ધમાનનગર, રામવાડી, જલારામ સોસાયટી અને ફૂલવાડીમાં કેસ આવી ગયા છે. બ્લોક હેલ્થ ઓફિસર ડો. બી.કે. સીંગ, સુપરવાઈઝર દીપક દરજી, નગરપાલિકા સેનિટેશન સ્ટાફમાં પ્રવીણ દાફડા, કુલદીપ ગંધર, હઠુભાઈ, ભરતભાઈ, દિનેશભાઈએ કામગીરી કરી હતી. મુંદરાના કુંભાર ફળિયામાં રહેતા આઈશાબેન અકબર પઠાણનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કુલ પોઝિટિવ કેસનો આંક 566 થયો છે. એક્ટિવ કેસ 178 છે. તંત્રના ચોપડે 26 મોત નોંધાયા છે. આજે 9 દર્દીઓને રજા અપાઈ છે. તેમાં ઉદય મધુકર અંતાણી, જશુબેન દબાસિયા, મિતેશ દેવજી દબાસિયા, ગોમતીબેન માતા, મનીષ મહેશ્વરી, મીનાબેન દવે, રાજેશ ટાંક, પરેશ દાફડા અને વેલાભાઈ સોનારાનો સમાવેશ થાય છે. કોરોના દર્દીના મૃતકના નામ-ગામ મામલે તંત્રની વિસંગતતા પણ સામે આવી છે. શનિવારે શાંતિલાલ ભીમજી ગાલાનું મોત થયું તેમાં એક યાદીમાં તેમનું ગામ મંજલ અને બીજામાં કોટડા (રોહા) દેખાડાયું હતું. તંત્રના સંકલનના અભાવવાળી નીતિના પગલે અનેકવિધ સવાલો પણ ઉભરીને સામે આવ્યા હતા. 

    અંજારમાં ગાયનેક સંક્રમિત : ચેકઅપ કરાવનારાઓને હોમ ક્વોરન્ટાઇન થવા અપીલ  આજે  અંજારમાં એક ત્રીરોગ તબીબ કોરોનાથી સંક્રમિત થયા છે. કામધેનુ સોસાયટીમાં રહેતા ડો. અમિત પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પાછલા સાત દિવસ દરમ્યાન જેમણે પણ આ તબીબ પાસે ચેકઅપ કરાવ્યું હોય તેમને હોમ ક્વોરન્ટાઇન થવાની અપીલ કરવા સાથે જેમને પણ શરદી, ઉધરસ, તાવની તકલીફ જણાય તેમને જનરલ હોસ્પિટલનો સંપર્ક સાધવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer