કુકમામાં ગાડી ચડાવી ખૂનની કોશિશના કેસમાં આરોપીના ફરી જામીન નામંજૂર

ભુજ, તા. 2 : તાલુકાના કુકમા ગામે માથે સ્કોરપિયો જીપકાર ચડાવી દઇને વૃદ્ધ વયના જુવાનાસિંહ આમાસિંહ સોઢાની હત્યાનો પ્રયાસ કરવાના ચકચારી બનેલા કિસ્સામાં આરોપી અજિતાસિંહ જેઠુભા જાડેજાની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતે નામંજૂર કરી હતી. આ તહોમતદારની આ બીજી વખત જામીન અરજી નામંજૂર થઇ છે. અત્રેના અધિક સેશન્સ જજ સમક્ષ આ જામીન અરજીની સુનાવણી થઇ હતી. આ કિસ્સો ગુનાહિત ષડયંત્રના ભાગરૂપે બનેલો છે અને સહઆરોપી મુખ્ય આરોપી જેટલો જ જવાબદાર છે તથા ચાર્જશીટ રજૂ થયા બાદ કેસના સંજોગો બદલાયેલા ગણી શકાય નહીં તેવી ટિપ્પણીઓ સાથે ન્યાયાધીશે અજિતાસિંહ જાડેજાની જામીન અરજી નામંજૂર કરતો  ચુકાદો આપ્યો હતો.સુનાવણીમાં સરકાર પક્ષ વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કે.સી. ગોસ્વામી તથા કેસના ફરિયાદ પક્ષ વતી આર.એસ. ગઢવી રહ્યા હતા.આ કેસની પૂર્વ વિગતો એવી છે કે, અગાઉના ઝઘડાના અનુસંધાને આ કેસના ફરિયાદી ઉદયાસિંહ જુવાનાસિંહ સોઢાના પિતા જુવાનાસિંહ આમાસિંહ ઉપર સ્કોરપિયો જીપકાર ચડાવીને તેમના ઉપર હત્યાના પ્રયાસ સહિતનો હુમલો કરાયો હતો. આ બાબતે કુલદીપાસિંહ હનુભા રાઠોડ અને અજિતાસિંહ જાડેજા સામે ગુનો નોંધાવાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer