ઈંગ્લેન્ડનો શ્રેણીવિજય

સાઉથમ્પટન, તા.2: વિકેટકીપર-બેટ્સમેન જોની બેયરસ્ટોની 82 રનની આતશી ઇનિંગની મદદથી આયરલેન્ડ વિરૂધ્ધના બીજા ડે-નાઇટ વન ડે મેચમાં ઇંગ્લેન્ડનો 4 વિકેટે વિજય થયો હતો. આથી ઇંગ્લેન્ડે ત્રણ મેચની શ્રેણી 2-0ની અતૂટ સરસાઇથી કબજે કરી લીધી છે. બેયરસ્ટોએ માત્ર 41 દડામાં 14 ચોક્કા અને 2 છક્કાથી 82 રનની ધૂંઆધાર ઇનિંગ રમી હતી. આથી ઇંગ્લેન્ડે 213 રનનો વિજય લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને 32.3 ઓવરમાં કરી લીધો હતો. જો કે બેયરસ્ટો સિવાયના ઇંગ્લેન્ડના ટોચના બેટધરો નિષ્ફળ રહેતા એક સમયે ઇંગ્લેન્ડે 137 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી સેમ બિલિંગ્સે અણનમ 46 અને ડેવિડ વિલીએ 47 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. સુકાની મોર્ગન અને મોઇન અલી ઝીરોમાં આઉટ થયા હતા. આ પહેલા આયરલેન્ડની ટીમ પ0 ઓવરમાં 9 વિકેટે 212 રનના સામાન્ય સ્કોર સુધી પહોંચી શકી હતી. કર્ટિસ કેંફરે ફરી એકવાર શાનદાર અર્ધસદી ફટકારીને 68 રન કર્યાં હતા. એક સમયે આયરલેન્ડે 91 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. કેંફર અને સિમી સિંઘે (2પ)એ સાતમી વિકેટમાં 60 રનની ભાગીદારી કરી હતી. ઇંગ્લેન્ડ તરફથી આદિલ રશિદે 3 વિકેટ લીધી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer