મહિલા આઇપીએલ પણ રમાશે : ગાંગુલી

નવી દિલ્હી, તા.2: બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આજે સ્પષ્ટ કર્યું છે કે મહિલા આઇપીએલના આયોજનની યોજના પણ બનાવવામાં આવી છે. મહિલા આઇપીએલ ચેલેન્જર સીરીઝ નામે ઓળખાય છે. કોરોના મહામારીને લીધે આ વખતે આઇપીએલનું ભારતના બદલે યૂએઇમાં 19 સપ્ટેમ્બરથી 8 કે 10 નવેમ્બર સુધી બીસીસીઆઇએ આયોજન કર્યું છે.આ પછી હવે બીસીસીઆઇના પ્રમુખે મહિલા આઇપીએલને પણ કાર્યક્રમમાં જગ્યા આપી છે.આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની આજની બેઠક પૂર્વે ગાંગુલીએ કહ્યંy કે હું એ વાતની પુષ્ટિ કરું છું કે મહિલા આઇપીએલની અમે પૂરી યોજના બનાવી છે. મહિલા નેશનલ ટીમ માટે પણ યોજના છે. જો કે આ તકે ગાંગુલીએ મહિલા આઇપીએલની વિસ્તૃત જાણકારી આપી ન હતી. જો કે બીસીસીઆઇના સૂત્રમાંથી મળતી જાણકારી અનુસાર ગયા વર્ષની જેમ આ વર્ષે પણ આઇપીએલના અંતિમ તબક્કામાં હશે. મહિલા ચેલેન્જર સિરિઝ લગભગ 1 થી 10 નવેમ્બર દરમિયાન થશે. આ પહેલા મહિલા ખેલાડીઓનો કેમ્પ થશે.જેબારામાં ગાંગુલીએ જણાવ્યું કે કરારબધ્ધ મહિલા ખેલાડીઓનો કેમ્પ થશે. જે માટે બીસીસીઆઇની ક્રિકેટ સંચાલન સમિતિ કાર્યક્રમ બનાવી રહી છે. ભારતીય મહિલા ટીમને ન્યુઝીલેન્ડમાં રમાનાર વન ડે વર્લ્ડ કપ પૂર્વે દ. આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ વિરૂધ્ધ બે સિરિઝ રમવાનો મોકો મળી શકે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer