રજાના મુદ્દે વિદ્યાસહાયકોને અન્યાય નહીં કરવા અનુરોધ

ભુજ, તા. 2 :વિદ્યા-સહાયકોની ખાસ રજા અંગે ઘટતું કરવા બાબતે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ કિશોરસિંહ ચૂડાસમા અને મંત્રી રમેશભાઇ ગાગલ દ્વારા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ ભીખાભાઇ પટેલ અને રતુભાઇ ગોળને પત્ર પાઠવી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા જણાવ્યું હતું. નાણાં વિભાગના ઠરાવ અનુસાર વર્ગ-3ના ફિક્સ પગારી કર્મચારીઓને ખાસ રજાઓ મળવા બાબતે પરિપત્ર કરવામાં આવ્યો છે, જેના આધારે રાજ્યના વિદ્યાસહાયકોએ ખાસ રજાનો લાભ લીધો હતો, પરંતુ ત્યારબાદ નિયામકના આદેશ અનુસાર આ વિદ્યાસહાયકોની ખાસ રજાઓને કપાત ગણીને 2014ની ભરતીના વિદ્યાસહાયકોને પૂરા પગારના ઓર્ડર આપવામાં આવ્યા તેમજ ચલણ પણ ભરાવવામાં આવ્યા હતા. ખાસ રજાના પરિપત્રમાં વિદ્યાસહાયકોને રજા મળવાપાત્ર થશે નહિ તેવો ઉલ્લેખ પણ નહોતો અને જે તે સમયે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા રજાઓ પણ મંજૂર કરવામાં આવી હતી.  તેમ છતાં ચલણ ભરવા પડયા છે જે ખરેખર ખૂબ જ અન્યાયી બાબત કહેવાય. નિયામકના બીજા એક આદેશ અનુસાર જ્યાં સુધી બીજી સૂચના ન મળે ત્યાં સુધી કપાત ન કરવા તેમજ ચલણ ન ભરવા માટે જણાવાયું હતું પરંતુ આજ દિન સુધી તેના વિશે કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી જેના કારણે વિદ્યાસહાયકોને તો નુકસાન થયું છે પણ સાથે સાથે 2010 અને 2011ની ભરતીના શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ માટે ખાસ રજાના કારણે તેમની સળંગ નોકરીની દરખાસ્ત થઇ શકી નથી જેથી તેમને મળનારા નવ વર્ષના ઉચ્ચતર પગારધોરણમાં પણ વિક્ષેપ ઊભો થાય તેમ હોવાથી ખાસ રજા બાબતે શિક્ષકોના હિતમાં સત્વરે નિર્ણય થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી, જેને અનુલક્ષીને રાજ્ય સંઘ દ્વારા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer