ઝુરામાં રહેણાક વસાહત વચ્ચેના મોબાઈલ ટાવરથી ગ્રામજનો નારાજ

ભુજ, તા. 2 : તાલુકાના ઝુરા ગામે વોર્ડ નં. 1માં રહેણાક વિસ્તારની વચ્ચે આવેલો મોબાઈલ ટાવર રહેણાક વિસ્તારથી દૂર અન્યત્ર ખસેડવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. આ બાબતે આજુબાજુના રહેવાસીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, ડી.ડી.ઓ., પોલીસ અધીક્ષક, પ્રાંત અધિકારી તથા ટી.ડી.ઓ.ને સહીઓ સાથેનું લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ મોબાઈલ ટાવરના શક્તિશાળી રેડિયેશનના કારણે લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. લોકો માનસિક તણાવનો શિકાર બન્યા છે. મેડિકલ સાયન્સ પણ કહે છે કે રેડિયેશનના કારણે બ્રેન ટયૂમર તથા કેન્સર જેવી ઘાતક બીમારીઓની શક્યતા વધી જાય છે. આ સાથે જ્યારે ગામમાં વીજ પુરવઠો ખોરવાય છે ત્યારે ટાવરનો જનરેટર ઓટોમેટિક ચાલુ થઈ જાય છે. આના લીધે ધ્વનિપ્રદૂષણ સાથે હવાનું પણ પ્રદૂષણ થાય છે. સતત ઘોંઘાટના કારણે લોકોની માનસિક શાંતિ હણાય છે. સાથે ધુમાડાના કારણે લોકોને શ્વાસોશ્વાસમાં પણ તકલીફ પડે છે તથા મકાનોની દીવાલો પણ ખરાબ થાય છે.  રાત્રે પવન વધારે હોય છે ત્યારે ટાવર પર લગાડેલી મહાકાય ડિશો તથા ખુલ્લા વાયરોના સૂસવાટાના કારણે લોકો શાંતિથી સૂઈ શકતા નથી અને અનિદ્રાનો શિકાર બને છે. આ મોબાઈલ ટાવરના કારણે લોકોને અનેક પ્રકારની મુશ્કેલીઓ વેઠવી પડે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બાબતે ગ્રામજનો દ્વારા થોડા સમય અગાઉ ઝુરા જૂથ ગ્રામ પંચાયત સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને પંચાયત દ્વારા કંપનીને નોટિસ પાઠવવામાં આવી હતી. પણ ટાવર ઓથોરિટીએ પોતાનો બચાવ કર્યો છે. આગામી સમયમાં આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકો દ્વારા જિલ્લા મથકે ધરણા તથા ભૂખ હડતાળ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી આપવામાં આવી છે અને જરૂર પડયે વડી અદાલતના દ્વારા ખટખટાવવા પણ તૈયારી દર્શાવાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer