અનલોક-3ના પ્રારંભે જ 20 પોઝિટિવ કેસ : ર મોત

અનલોક-3ના પ્રારંભે જ 20 પોઝિટિવ કેસ : ર મોત
ભુજ, તા. 1 : અનલોક-3ના પ્રથમ દિવસે કોરોનાલળ ફૂંફાડો જારી રહ્યો હોય તેમ આજે એકસામટા 20 પોઝિટિવ કેસ સાથે વધુ બે લોકોનાં કોરોનાનાં કારણે મોત થતાં ફફડાટયુક્ત ભયનું લખલખું પ્રસરી ગયું છે. અંજાર અને ગાંધીધામમાં સર્વાધિક છ-છ તો અબડાસામાં પાંચ જ્યારે જિલ્લા મથક ભુજમાં બે કેસનો વધારો થયો છે. મંજલના આધેડ અને અંજારની મહિલાનોયે કોરોનાએ ભોગ લેતાં તંત્રના ચોપડે સત્તાવાર મોતનો આંકડો 25 થયો છે. અંજારના ગંગા નાકામાં રહેતા 68  વર્ષીય નિર્મલાબેન વૃજલાલ શાહનું શુક્રવારે સાંજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ડાયાબિટીસ, બીપીની બીમારીથી પીડાતાં નિર્મલાબેનનું 30મી તારીખે સેમ્પલ લેવાયું હતું. જેનો આજે રિપોર્ટ આવે તે પૂર્વે તેમનું  મોત નિપજ્યું હતું. તેમને બાયપેપ-વેન્ટિલેટર પર સારવાર અપાઇ હતી. તો નખત્રાણા તાલુકાના મંજલમાં રહેતા 58 વર્ષીય શાંતિલાલ ભીમજી ગાલાનું આજે સવારે મોત નિપજ્યું હતું. 26મીએ તાવ-શ્વાસ લેવામાં ફરિયાદ સાથે દાખલ થયેલા શાંતિલાલભાઇ હાઈપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. બાયપેપ-વેન્ટિલેટર પર અપાયેલી સારવાર કારગત ન નીવડતાં આજે સવારે સારવાર દરમિયાન સદ્ગતનો જીવનદીપ બુઝાઇ ગયો હતો.અંજારમાં એસ.ટી. કંડકટર સહિત કોરોનાના છ પોઝિટિવ કેસ નોંધાયા છે. સત્તાવાર યાદી અનુસાર મારુતિનગરમાં રહેતા પ્રવીણગિરિ ગુંસાઈ, જન્મોત્રી  સોસાયટીમાં રહેતા મમતા  અમરભાઈ ચૌધરી, ગંગા નાકા પટેલ હોસ્પિટલ પાસે રહેતા નિર્મળાબેન વૃજલાલ શાહ ઉપરાંત રાજકોટની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કંડક્ટર અબુબખર સુલેમાન થેબા તેમજ વરસામેડી બાગેશ્રી ટાઉનશિપમાં રહેતા વિકાસ પ્રહલાદપુરી અને પૂજા વિકાસપુરી નામના દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.ગાંધીધામ-આદિપુરમાં આજે છ કેસ નોંધાયા છે, ભાઈપ્રતાપ નગરમાં રહેતા કમલેશ મુરલીધર ઈશરાણી, અનિલકુમાર મુરલીધર ઈશરાણી ઉપરાંત પ્રવીણ શર્મા અને સંગીતા શર્મા તેમજ આલાભાઈ ભીમાભાઈ આહીર ઉપરાંત આદિપુરમાં રહેતા જયાબેન ભંભાણી સંક્રમિત થયા છે. ગાંધીધામના છ દર્દી પૈકી 4ની અમદાવાદની ટ્રાવેલ હિર્સ્ટી હોવાનું આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે.આ તરફ પશ્ચિમ કચ્છમાં કોરોનાનો મજબૂત પગપેસારો યથાવત રહ્યો હોય તેમ અબડાસામાં આજે 5 કેસ ખાનગી લેબમાં પોઝિટિવ આવ્યા છે. સાંઘીપુરમમાં લેબર કોલોનીમાં રહેતા વિકાસ મીણા, રોશનલાલ ગુપ્તા, રિતેશકુમાર અને સૂરજ પાસવાન ઉપરાંત વાયોરમાં રહેતા હરિશ મદાડા પણ કોરોનામાં સપડાયા છે.જિલ્લા મથક ભુજની વાત કરીએ તો અહીંના પોશ વિસ્તાર એવા લોટ્સ કોલોનીમાં રહેતા અલ્પેશ ધીરુભાઈ ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સંબંધિત વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જ્યારે જૂની રાવલવાડીમાં આવેલી સરકારી વસાહતમાં રહેતા પાયલ મારવાડા પણ કોરોનાથી સંક્રમિત થયા છે, તો કોઈપણ જાતની ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા મુંદરાના વૈભવપાર્કમાં રહેતા ગોવિંદ કલુભા સોઢા પણ સંક્રમિત થયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસ 550 થયા છે, એક્ટિવ પોઝિટિવ કેસ 173ના આંકે અટક્યા છે. જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાંથી 15 દર્દીને રજા અપાતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 349 થઈ છે, સાજા થયેલા દર્દીઓમાં તેજસ અરજણ આહીર, ભીમજી કાનજી ભાનુશાલી, અર્જુન સહારી, પ્રવીણ ચૌહાણ, સંજયસિંહ જાડેજા, ગીતાબેન ઠક્કર, દર્શનાબેન ઠક્કર, ટીના રાઠોડ,  હિમાંશુ પટેલ, ગીતાબેન ભૂપેન્દ્ર ઠક્કર, ચાર્મી તુષાર ઠક્કર, મોહન ગજરા, હીનાબેન ભાનુશાલી, જગદીશ વાવિયાનો સમાવેશ થાય છે. મીનાબેન વિવેક જોશીને ગાયનેક વોર્ડમાં ખસેડાયા છે.  
    અંજાર-રાજકોટ બસનો કંડક્ટર સંક્રમિત : મુસાફરોને સેલ્ફ ક્વોરેન્ટાઈન થવા અપીલ  અંજાર ડેપો મધ્યે ફરજ બજાવતા કંડક્ટર અબુભખર સલેમાન થેબા બે.નં. 2812નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દોડધામ મચી છે. આ કંડક્ટરે તારીખ 25-7-2020થી છેલ્લી ફરજ 27-07-2020ના રોજ અંજાર ડેપો મધ્યેથી સવારે 7.00 કલાકે ઉપડતી અંજાર-રાજકોટ અને રાજકોટ મધ્યેથી ફરી બપોરના 13.00 કલાકે ઉપડતી રાજકોટ-અંજાર બસમાં બજાવી હતી. આથી આ સમયગાળા દરમ્યાન આ બસ/રૂટમાં મુસાફરી કરેલા હોય તેવા તમામ મુસાફરોને સરકારની સૂચના અનુસાર સેલ્ફ હોમ ક્વોરેન્ટાઈન થઈ સહયોગ આપવા અપીલ કરાઈ હોવાનું ડેપો મેનેજર એચ. આર. સામરાની યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer