કોરોનાના કારણે રાખડીના ધંધાને `કવચ''ની જરૂર

કોરોનાના કારણે રાખડીના ધંધાને `કવચ''ની જરૂર
ભદ્રેશ ડુડીયા દ્વારા-  ભુજ, તા. 1 : કોરોનાની મહામારીના લીધે અનેક ધંધા-રોજગારને મોટો ફટકો પડયો છે, પરંતુ રાખડી બજાર પર આની કોઈ જ અસર વર્તાઈ નથી અને છેલ્લા બે-ત્રણ દિવસથી ભાઈના કાંડે રક્ષાકવચ બાંધવા બહેનોએ રાબેતા મુજબની જ ખરીદી કરી હોવાનો આનંદ વેપારીઓએ વ્યક્ત કર્યો હતો. કોરોનાની ભયંકર મહામારી વચ્ચે આવી પહોંચેલા રક્ષાબંધનના પર્વ સંબંધે રાખડી બજારના વેપારીઓ સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, કચ્છના છૂટક વેચાણ કરતા નાના-નાના વેપારીઓ આ વર્ષે રાખડીની ખરીદી માટે કોરોનાના ભયને લીધે અમદાવાદ, સુરત, વડોદરા કે મુંબઈથી ખરીદી કરવાનું ટાળ્યું હતું અને સ્થાનિકના જ હોલસેલ વેપારીઓ પાસેથી રુદ્રાક્ષ, સુખડ, મોતી, ડાયમંડ તેમજ બાળકો માટેની ભાતભાતની રાખડીના ઓર્ડર આપ્યા હતા. છેલ્લા બે-ત્રણ દિવસથી છૂટક ખરીદીએ ગતિ પકડી હોવાથી રાખડી બજારમાં કોરોનાની કોઈ અસર વર્તાઈ નથી તે સ્પષ્ટ થઈ રહ્યું છે. ચાઈનીઝ વસ્તુઓના વિરોધનાં પગલે રાખડીમાં ખાસ કરી બાળકો માટે આવતી લાઈટવાળી રાખડીની અછત છે. ભારતીય બનાવટની આવી રાખડીઓ વેચાઈ ચૂકી હોવાથી લાઈટવાળી રાખડીની ગ્રાહકોની માંગ પૂરી થઈ શકતી ન હોવાનો વસવસો બે-ત્રણ દાયકાથી સિઝનિયા ધંધાના હોલસેલ અને છૂટક વેપાર સાથે સંકળાયેલા વેપારી પરેશભાઈ પતંગવાળાએ વ્યક્ત કર્યો હતો. કચ્છના માંડવી, મુંદરા, ભચાઉ, નખત્રાણા, નલિયા જેવા વિસ્તારના નાના-નાના વેપારીઓ બહારથી રાખડીનો માલ મંગાવવાના બદલે કચ્છના જ જથ્થાબંધ વેપારીઓ સાથે વીડિયોકોલ અને વોટ્સએપ મારફત રાખડીઓની પસંદગી કરી ઓર્ડર આપી રાખડીઓ મગાવી હતી. કોરોનાની અસર પડી હોય તો ફ્રેન્ડશિપ બેલ્ટના વેપાર પર પડી છે. શાળા-કોલેજો બંધ હોવાથી આ બેલ્ટની ખરીદી નહીંવત થઈ છે. આ ઉપરાંત ઘરોઘર ફરતા મારાજોની ત્રણ ફૂલવાળી રાખડીનોય ઉપાડ 50 ટકા ઘટયો છે. આવા મારાજો આ વર્ષે ઘરોઘર જશે કે નહીં તેની અનિશ્ચિતતા હોવાથી તેની અસર પડી છે. બીજી તરફ પોસ્ટ મારફત દેશ-દેશાવર રવાના થતી રાખડી પર પણ લોકડાઉનના લીધે માઠી અસર પડી હોવાનું પરેશભાઈએ ઉમેર્યું હતું. જૂના અને જાણીતા ધનસુખ સ્ટોરવાળા પ્રશાંતભાઈ શેઠે એક અલગ પ્રકારની વાત કરતાં જણાવ્યું હતું કે, રક્ષાબંધન પર્વ કોરોનાના લીધે કદાચ આ વર્ષે આખો માસ ચાલે તેવી શક્યતા દર્શાવી હતી. તેમણે જણાવ્યું કે, મહામારીનાં પગલે પ્રવાસની મુશ્કેલી થતાં એક ગામથી બીજા ગામે ભાઈ કે બહેનને એકબીજાથી ભેટો થવો મુશ્કેલ બનશે આથી સમગ્ર ઓગસ્ટ માસ  દરમ્યાન ભાઈ-બહેનની અનુકૂળતા મુજબ બહેન ભાઈના હાથે રક્ષા બાંધશે. આથી કદાચ સમગ્ર માસ રક્ષા પર્વ ઊજવાશે તેવું લાગી રહ્યાનું પ્રશાંતભાઈએ જણાવ્યું હતું. શિવમ ગિફ્ટવાળા જયંતભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ચાઈનીઝ બનાવટવાળી બાળકો માટેની વિવિધ રાખડીઓ આવતી હતી જે સદંતર બંધ છે તેનું સ્થાન ભારતીય બનાવટની બાળકોની પસંદગીના હીરો જેમ કે, છોટા ભીમ, સ્પાઈડર મેન, સુપર બ્રો, એવેન્જર્સના ફોટાવાળી વેરાયટીએ લીધું છે. જ્યારે બહેનોની પસંદગી આજે પણ સદાબહાર એવી સુખડ, ચંદનની સુગંધિત રાખડીઓ રહી છે. છેલ્લા બેથી અઢી દાયકાથી શહેરની જૂની શાકમાર્કેટ પાસે બજાર ચાવડી નજીક રાખડીનો છૂટક વેપાર કરતાં રફીકભાઈ તથા રસીદભાઈ મેમણે જણાવ્યું હતું કે, કોરોનાનાં પગલે માલ મગાવવાની મૂંઝવણ હતી, પરંતુ અંતે વોટ્સએપ મારફત ફોટા જોઈ ઓર્ડર આપી માલ તો મગાવી લીધો. શરૂમાં ઘરાકી ન નીકળતાં ચિંતા થઈ હતી, પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સારી ઘરાકી નીકળી હવાનો બંનેએ આનંદ વ્યક્ત કર્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer