કુડા જામપર નજીક કાર ઉથલતાં સર્જાયો અકસ્માત : આધેડનું મૃત્યુ

કુડા જામપર નજીક કાર ઉથલતાં સર્જાયો અકસ્માત : આધેડનું મૃત્યુ
ગાંધીધામ, તા. 1 : રાપર તાલુકાના રામવાવ - કુડા  માર્ગે  સ્વીફટ કાર  પલટી  મારતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નાગજીભાઈ હીરાભાઈ દેસાઈ (ઉ.45)નું મોત થયું હતું. પોલીસના સત્તાવાર સાધનોએ  જાણ  જોગ ફરિયાદને ટાંકીને વિગતો આપતાં કહયું હતું કે,  રામવાવથી કુડા (જામપર) માર્ગ ઉપર પાપડી પાસે આજે બપોરના અરસામાં સફેદ કલરની સ્વીફટ કાર કોઈ પ્રકારે વીજ થાંભલા પાસે અથડાઈ હતી. ત્યારબાદ   ગાડી ત્રણ વખત પલટી મારી  હતી. દરમ્યાન ગાડીમાં સવાર ડીસાના નાગજી હીરાભાઈ  દેસાઈને ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. તેને આરોગ્ય કેન્દ્ર  ખાતે  ખસેડાયા બાદ તેનું મૃત્યુ  થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.આ બનાવમાં સ્વીફટ ગાડીનો અન્ય કોઈ ગાડી પીછો કરતી હોવાની ચર્ચાએ જોર પકડયું હતું. જો કે આ વાતે પોલીસે સત્તાવાર રીતે સમર્થન આપ્યું ન હતું. આ અંગે રાપરના પી.આઈ. શ્રી ચૌધરીનો સંપર્ક કરતાં તેમણે કહયું હતું કે ગાડી વીજથાંભલા સાથે અથડાતાં થાંભલો અંદાજિત 20 ફૂટ જેટલો દૂર જઈને પડયો હતો. જેમાં ડીસાના આધેડનું મોત થયું હતું. આ  અંગે મૃતકના   પરિવારજનો દ્વારા ફરિયાદ  અપાયા બાદ આગળની  કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer