વિથોણે સાત દિવસ સુધી ધંધા-રોજગાર અર્ધો દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો
વિથોણ, (તા. નખત્રાણા) તા. 1 : બે કોરોના પોઝિટિવ કેસ આવતાં ગામમાં સોપો પડી ગયો છે. બપોર પછી દુકાનો બંધ રહેતા ધારા 144 જેવું વાતાવરણ છે. ભયના માર્યા લોકો માસ્ક પણ પહેરે છે અને ઘરમાંથી નીકળવાનું પણ ટાળે છે. વેપારી પ્રમુખ દિનેશભાઇ રૂડાણીએ વોટ્સએપ મારફતે ધંધા બંધ રાખવાનું જાહેર કર્યું અને બપોર બાદ સ્વયંભૂ બંધ રખાયો હતો. વિથોણ પંચાયત દ્વારા ગામની શેરીઓ, બસસ્ટેશન વિસ્તારમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગામના સેવાભાવી અને 108ના નામે ઓળખાતા શાંતિલાલ નાયાણીએ ટ્રેક્ટર દ્વારા સ્પ્રે મારીને ગામને સેનિટાઇઝ્ડ કરવામાં યોગદાન આપ્યું હતું. આજે બપોર પછી ચાની હોટલો, નાસ્તાની લારીઓ સહિત સૌ નાના મોટા ધંધાર્થીઓએ બંધને સમર્થન આપ્યું હતું. ખેતાબાપા મંદિર પણ બપોર પછી બંધ રાખવામાં આવ્યું હતું. મેડિકલ સ્ટોર સિવાય વિથોણ ગામે વેપારીઓની હાકલે બંધમાં જોડાઇ ગામની એકતા બતાવી હતી.