માસ્કના 500 દંડના પ્રથમ દિવસે પશ્ચિમ કચ્છમાં 135 જણ દંડાયા

ભુજ, તા. 1 : કોરોના મહામારી સામેની લડાઇમાં તકેદારી અને સુરક્ષાના પ્રથમ હથિયાર એવા માસ્કનો ઉપયોગ વધુને વધુ થાય તેવા હેતુસર આજથી માસ્ક ન પહેરનારા માટે રૂા. 500નો દંડ કરવાના નિયમનો આ પોલીસ જિલ્લામાં પણ અમલ કરી દેવાયો છે. આજે પ્રથમ દિવસે જિલ્લામાં ખુલ્લા મોઢે ફરનારા 135 જણને પકડીને તેમની પાસેથી રૂા. 49,500ની રકમ દંડના સ્વરૂપમાં કાયદાના રક્ષકોએ વસૂલી હતી. જિલ્લા પોલીસ અધીક્ષક સૌરભ તોલંબિયાની સૂચના અને માર્ગદર્શન તળે જિલ્લાના વિવિધ પોલીસ મથકો અને પોલીસદળની વિવિધ શાખાઓ દ્વારા માસ્ક ન પહેરનારા સામે નવા દંડ મુજબની કાર્યવાહી કરાઈ હતી. આજે પ્રથમ દિવસે માસ્ક પહેર્યા વગર નીકળેલા 135 જણ આની ઝપટમાં આવ્યા હતા. જેમની પાસેથી રૂા. 49,500ની રકમ સ્થળ ઉપર જ દંડના સ્વરૂપમાં વસૂલ કરાઇ  હતી. જિલ્લામથક ભુજમાં આજે જ્યુબિલી મેદાન, એસ.ટી. ટ્રાફિક પોલીસ ચોકી, મહાદેવ નાકા, છઠ્ઠીબારી અને અનમ રિંગરોડ સહિત શહેરના અંદરના બજારના અને ભીડભાડવાળા વિસ્તારો માસ્ક ઝુંબેશ તળે આવરી લેવાયા હતા. જાગૃતિ આણવા માટે લોકોને સમજણ આપવા સાથે પોલીસ સ્ટાફે માસ્ક પણ પહેરાવ્યા હતા. બીજી બાજુ મુંદરા, માંડવી, નખત્રાણા સહિતના સ્થળોએ પણ આવી કાર્યવાહી હાથ ધરાઇ હતી. દરમ્યાન  માસ્ક ન પહેરનારા માટે રૂા. 500ના દંડ માટેની પહોંચબુક હજુ છપાઇને આવી ન હોવાથી અને સ્ટાફના સભ્યો પાસે રૂા. 200વાળી પહોંચબુક હોવાથી થોડી અસંમજશ સર્જાઇ હતી. અલબત્ત 200વાળી પહોંચમાં 500ની રકમ લખી હેડ કોન્સ્ટેબલ કે જમાદારની સહી સાથે 500ની માન્ય પહોંચ આપીને રસ્તો કઢાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer